- 5 જૂને ત્રાગડમાં 75,000 વૃક્ષારોપણ કરાશેઃ રજાના દિવસે એક સિવિક સેન્ટર ચાલુ રહેશે
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જગતપુર ઓવરબ્રિજના લોકાર્પણની શક્યતા
- ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની મોટી રકમના બાકીદારોના નામ, ટેક્સની બાકી રકમ, હરાજી સહિતની વિગતો ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોની સુવિધા અને સરળતા માટે રજાના દિવસે AMCનું એક સિવિક સેન્ટર ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જગતપુર ખાતેનો ફ્લાયઓવરની કામગીરી તા. 15 જૂન પહેલાં પૂરી થઈ જશે અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તા. ૫ જૂનના રોજ ત્રાગડમાં 75,000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. ચોમાસામાં તોતિંગ ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ નિવારવા મોટાં, ઘટાદાર અને તોતિંગ વૃક્ષોનું ટ્રીમિંગ કરવા બગીચા ખાતાને સૂચના આપવામાં આવી છે. AMC દ્વારા આત્મનિર્ભર નર્સરીમાં 15 લાખ રોપા તૈયાર કરાયા છે. શહેરમાં તમામ સ્થળે એકસરખા બાંકડા મૂકવામાં આવે તે માટે RCCના બાંકડાની ડિઝાઈન કોમન રાખવાનું નક્કી કરાયું છે.
સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું કે, AMC દ્વારા કરોડોના પ્રોપર્ટી ટેક્સના બાકીદારો પાસેથી ટેક્સ વસૂલવા સીલ કરવા, હરાજી કરવા સહિતના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને બાકીદારો અંગેની વિગતો સાથેની જાહેરાતો અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ હેતુસર નામ, ટેક્સની રકમ, સરનામું, હરાજી વગેરે માહિતી અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરાય છે. હવેથી ટેક્સ બાકીદારોની વિગતો ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવાનું નક્કી કરાયું છે અને હવે આ પ્રકારની માહિતી ધરાવતી જાહેરાત ગુજરાતીમાં પ્રસિદ્ધ કરાશે. અઠવાડિક રજાના દિવસે સિવિક સેન્ટરો બંધ રહેવાને કારણે નાગરિકોને ટેક્સ ભરવા, જન્મ- મરણના સર્ટિફીકેટ, ગુમાસ્તાધારાના સર્ટિ., વગેરે મેળવવામાં મુશ્કેલી પડતી હોવાને કારણે હવેથી રજાના દિવસે કોઈ એક સિવિક સેન્ટર ચાલુ રાખવામાં આવશે. જગતપુર ક્રોસિંગ પરનો વિવાદાસ્પદ ફ્લાયઓવરની કામગીરી તા. 15 જૂન સુધીમાં પૂરી થઈ ગયા પછી ટુંક સમયમાં તેનું લોકાર્પણ કરાશે.