- ત્રણ કંપનીને કામગીરી સોંપવા હેલ્થ કમિટીની મંજૂરી
- AMCને ટન દીઠ રૂ.185ની રોયલ્ટી મળશે
- સોલા, વાસણા, વસ્ત્રાલ, વાડજ, ખાડિયા રેફ્યૂઝ સ્ટેશન પર સેમિ ઓટોમેટેડ મશીન મૂકાશે
AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી એકત્રિત કરવામાં આવતા કચરાને જુદો જુદો કરીને રિસાઇકલ કરવાની કામગીરી ઝડપી બનાવવામાં આવશે. આ હેતુસર સોલા, વાસણા, વસ્ત્રાલ, વાડજ અને ખાડિયા એમ પાંચ રેફ્યૂઝ સ્ટેશન પર સેમી ઓટોમેટેડ મશીન મૂકવામાં આવશે અને ઓટોમેટિક રીતે સૂકો અલગ કરવાની કામગીરી માટે ત્રણ કંપનીઓને સોંપવા સોલિડ વેસ્ટ એન્ડ હેલ્થ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે અને આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાશે. આ કામગીરી કરનાર કંપની દ્વારા AMCને રોયલ્ટી પેટે ટન દીઠ રૂ. 185 ચૂકવવામાં આવશે. આમ, સૂકો કચરો અલગ અલગ કરવાની અને રિસાઇકિલંગની કામગીરી ઝડપી બનશે અને કચરાનો ઝડપથી નિકાલ થશે તેમજ AMCને વધારાની આવક થશે. શહેરમાં 14 જગ્યાએ 1,070 જેટલા રેગપિકર્સ (કચરો વીણનાર) મહિલાઓ દ્વારા સૂકો કચરો અલગ કરવાની કામગીરી કરવામાં આવે છે અને તે પૈકી પાંચ સ્થળે મશીનરી મૂકીને ઓટોમેટિક રીતે સૂકો કચરો અલગ કરવામાં આવશે. આમ, પૂંઠા, બોટલો, વગેરે જેવો સૂક કચરો અલગ કરીને તેને રિસાઇકલ કરાશે.
હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જણાવ્યું હતું કે શહેરમાંથી જે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવે છે તેમાંથી સૂકા કચરાને રિસાયક્લિંગ કરવાની કામગીરી ઝડપી બનાવવા અને સંપૂર્ણપણે રિસાઇકલ થાય તેના માટેનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિ.દ્વારા આ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને કંપનીઓએ ટનદીઠ રૂ. 170થી રૂ. 180 ભાવ રજૂ કરાયો હતો.