- મકાનો પરત લેવા અઠવાડિયાનું અલ્ટીમેટમ આપો : AMC કમિશનર
- સોલિડ વેસ્ટ, હાઉસિંગ, હેલ્થ- ફૂડ, ઈ- ગવર્નન્સના અધિકારીઓને આડે હાથે લેવાયા
- નિકાલ અંગેની વિગતો આપવા તાકીદ કરી હતી
AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે તૈયાર કરવામાં આવેલા આવાસો (EWS)માં ગેરકાયદે ભાડે રહેનારા લોકોને મકાનો ખાલી કરાવીને પરત લેવા એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપવા સૂચના આપીને AMC કમિશનર એમ. થેન્નારસને રીવ્યુ મીટિંગમાં હાઉસિંગ વિભાગના અધિકારીઓને EWS મકાનોમાં ગેરકાયદે રહેનારા સામે કડક પગલાં લેવા તાકીદ કરી હતી. શહેરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ કામગીરી અન્ય અધિકારીઓ પર નહીં ઢોળવા તેમજ સ્વચ્છતા કામગીરી અંગેનો ડેટા હાથવગો રાખવા સોલીડ વેસ્ટ અધિકારીને સૂચના આપી હતી. હેલ્થ- ફુડ વિભાગ દ્વારા હોટલો, રેસ્ટોરેન્ટ, ખાણી પીણીના એકમોમાંથી એકત્રિત કરાતા કીચન વેસ્ટ અને તેના નિકાલ અંગેની વિગતો આપવા તાકીદ કરી હતી અને AMC ઈ- ગવર્નન્સની વેબસાઈટની કામગીરી સામે પ્રશ્નાર્થ કર્યા હતા.
મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને, રીવ્યુ મીટિંગમાં સોલીડ વેસ્ટ, હેલ્થ, હાઉસિંગ પ્રોજેક્ટના અધિકારીઓને આડે હાથે લીધા હતા. શહેરમાં સ્વચ્છતા, સફાઈ કામગીરી અંગેનો ડેટા માંગવામાં આવતાં અન્ય અધિકારીઓને માહિતી પૂરી પાડવા જણાવતાં સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીને મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, કામગીરીનો તમામ ડેટા કોમ્પાઈલ કરીને રાખો, બીજા અધિકારીઓ પર કામગીરી ન ઢોળો, ચાલુ મીટિંગમાં અન્ય અધિકારીઓ પાસે માહિતી ન માંગો, તમારી પાસે પણ માહિતી અને વિગતો હોવી જરૂરી છે. EWS મકાનોમાં ગેરકાયદે ભાડે રહેતા લોકોને ખાલી કરાવવા એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપીને કડક પગલાં લેવા હાઉસિંગ પ્રોજક્ટના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.