- AMC ફૂડ વિભાગ મોડે મોડે જાગ્યું
- રસોડામાં સડેલા બટાકા, ગંદકી, અનહાઈજેનિક કન્ડિશન
- હોટલ, રેસ્ટોરેન્ટમાં ખાતાં પહેલાં ચેતજો
20 એકમો પાસેથી રૂ.1.14 લાખનો દંડ વસૂલાયો.AMCના ફૂડ વિભાગના અધિકારીઓએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ હોટલો, રેસ્ટોરેન્ટ અને ખાણી પીણીના 62 એકમો પર દરોડા પાડતાં સડેલા બટાકા સહિત બિન-આરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી મળી આવતાં અને ગંદકી જોવા મળતાં 11 એકમોને સીલ કરવામાં આવ્યા છે અને 20 એકમો પાસેથી રૂ. 1.14 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. આમ, શહેરીજનોએ હોટલ, રેસ્ટોરેન્ટ અને ખાણી પીણી એકમોમાં ખાતાં- પીતાં સાવધાન રહેવું અને વિચારવું પડે તેવી નોબત સર્જાઈ છે. બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજો તેયાર કરીને અને વેચાણ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. AMC ફુડ વિભાગના અધિકારીઓની ‘રહેમ નજર’ હેઠળ હોટલો, રેસ્ટોરેન્ટ અને ખાણી પીણીના એકમો દ્વારા ખરાબ અને સડેલી ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન અને વેચાણ કરવાને કારણે નાગરિકોના આરોગ્ય જોખમમાં મૂકાય છે. બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજોનું વેચાણ કરીને ‘તગડી’ કમાણી કરનારાઓ સામે હવે AMC ફુડ વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગ્યા છે અને હવે મોડે મોડે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમો દ્વારા વિવિધ હોટલો અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજીપાવ, ઇડલીવડા, ભોજનાલય, રેસ્ટોરન્ટ અને ફરસારણની દુકાનોમાંથી આરોગ્યપ્રદ ખાવાનું, નિયમો અનુસાર ખાદ્ય પદાર્થની જાળવણી ન કરી તેમજ સબ સ્ટાન્ડર્ડ ખોરાક મળી આવતા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 11 જેટલી દુકાનોમાં બિન આરોગ્યપ્રદ ખાવાનું મળી આવતાં કાર્યવાહી કરવામાં આવી છે. AMC ફુડ વિભાગની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી ચાલી રહી હતી તે વેળા કેટલાક રાજકીય નેતાઓ દ્વારા આ રીતે ભલામણો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સીલ કરાયેલી દુકાનો
શિવ શક્તિ ગુજરાતી થાળી, જોધપુર, બજરંગ દાબેલી સેન્ટર અને શ્રી હરિ ભોજનાલય, રામોલ, વીર કૃપા ફરસાણ, વટવા, મિલન લોજ, સાબરમતી, નીલકંઠ સુરતી લોચો અને ખમણ હાઉસ, બોડકદેવ,ખાના ખજાના, બોડકદેવ, જય અંબે વેફર અને શ્રી પંડિત ભોજનાલય, ખાડિયા, ચામુંડા ભોજનાલય અને પટેલ ભાજીપાઉં નરોડા.