- આશાપુરા ટ્રેડર્સના વિહોલ જગતસિંહ વીરમજી ઝડપાયો
- બોગસ કંપની મારફતે 205.27 કરોડના કૌભાંડનો પર્દાફાશ
- ITC મેળવવા બદલ ચાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે
સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (CGST), અમદાવાદની સાઉથ કમિશનરેટની પ્રિવેન્ટિવ વિંગ દ્વારા રૂ. 205.27 કરોડની કરપાત્ર રકમમાં રૂ. 36.95 કરોડની કરચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને 10 બોગસ કંપનીઓ મારફતે આચરવામાં આવેલા કૌભાંડમાં રૂ. 7.22 કરોડની ખોટી રીતે ઈન પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવા અને તેનો ઉપયોગ કરવા બદલ મે. આશાપુરા ટ્રેડર્સના માલિક વિહોલ જગતસિંહ વિરમજીની ધરપકડ કરવામાં આવી છે. CGST વિભાગ દ્વારા તા.29 મે, 2023ના રોજ વિહોલ જગતસિંહ વીરમજીની ધરપકડ કરાયા પછી તેને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેને તા. 13 જૂન, 2023 સુધી જ્યુડિશિયલ કસ્ટડીના રિમાન્ડ આપ્યા છે. આ કિસ્સામાં સ્ક્રેપ સહિતના વ્યવસાયમાં સંકળાયેલી 10 બોગસ કંપનીઓ ઊભી કરીને કરોડોના વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ કિસ્સામાં પ્રાથમિક તપાસમાં મહત્વના અને વાંધાજનક ડોક્યુમન્ટ જપ્ત કરાયા છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે અને તપાસને અંતે કરચોરીનો આંક વધે તેવી શક્યતા છે. 2023-24ના નાણાંકીય વર્ષમાં સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (CGST), અમદાવાદની સાઉથ કમિશનરેટની પ્રિવેન્ટિવ વિંગ દ્વારા અત્યાર સુધીમાં બોગસ બિલિંગ મારફતે ખોટી રીતે ITC મેળવવા બદલ ચાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
CGST અમદાવાદની સાઉથ કમિશનરેટની પ્રિવેન્ટિવ વિંગ દ્વારા ફ્ક્ત કાગળો પર કરોડોના વ્યવહારો દર્શાવીને અને હકીકતમાં માલસામાનની હેરફેર કર્યા વિના બોગસ બિલિંગ કૌભાંડ મારફતે ખોટી રીતે ઈન પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવા અને ઉપયોગ કરવાની ગેરકાયદે પ્રવૃત્તિમાં સક્રિય બોગસ કંપનીઓને શોધી કાઢવા અને કૌભાંડોનો પર્દાફાશ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.