- આઠ બોગસ કંપનીઓ ઊભી કરી
- આરોપીઓ તા. 6 જૂન સુધી કસ્ટડીમાં
- કાગળ પર જ વ્યવહારો દર્શાવી 7.15 કરોડની ITC મેળવી
સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (CGST), અમદાવાદ, દક્ષિણ કમિશનરેટની પ્રિવેન્ટિવ વિંગ દ્વારા રૂ. 40 કરોડ, 76 લાખના બોગસ ઈ- વે બિલ જનરેટ કરીને રૂ. 7 કરોડ, 33 લાખની ઈન પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના કૌભાંડ પર્દાફાશ કરીને આ કૌભાંડમાં જવાબદાર મે. જયમીન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર અને માસ્ટર માઈન્ડ જયસુખ મનુભાઈ મોડાસિયા અને જીજ્ઞેશ મનસુખ પટેલની અમરાઈવાડીના કનિશ્કા એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરવામાં આવી છે. વસ્ત્રાલમાં સરદારબા સ્કુલ પાસે મારૂતિ હાઈટમાં સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલ મે. જયમીન એન્ટરપ્રાઈઝ દ્વારા 8 બોગસ કંપનીઓ ઉભી કરીને રૂ. 40.76 કરોડના બોગસ બિલિંગ અને રૂ. 7.33 કરોડની ITC ખોટી રીતે મેળવવાના કૌભાંડમાં તા. 22 મેના રોજ કરાયેલા બંન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં બંન્ને તા. 6 જૂન સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. માલસામાનની હેરફેર દર્શાવવા માટે 18 ટ્રાન્સપોર્ટર્સનો ઉપયોગ કરીને ઈ- વે બિલ જનરેટ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસને અંતે બોગસ બિલિંગ કૌભાંડનો આંક વધવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, મે. જયમીન એન્ટરપ્રાઈઝના માલિક અને જયસુખ મનુભાઈ મોડાસિયા અને જીજ્ઞેશ મનસુખ પટેલે અન્ય લોકો સાથે મળીને 8 બોગસ કંપનીઓ ઉભી કરી હતી અને ફક્ત ઈ- વે બિલ (ઈન્વોઈસ) જનરેટ કરીને રૂ. 40.76 કરોડના વ્યવહારો દર્શાવ્યા હતા. ફક્ત કાગળ પર અસ્તિત્વ ધરાવતી કંપનીઓ અને હકીકતમાં માલસામાનની હેરફેર કર્યા વિના ફક્ત કાગળ પર જ વ્યવહારો દર્શાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું.