ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે 21 તારીખે યુવરાજસિંહની 9 કલાક લાંબી મેરેથોન પૂછપરછ કર્યા બાદ આઈપીસી ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારબાદ શનિવારે કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પણ સુરતથી ધરપકડ કરાઇ હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપી કાનભા ગોહિલ પાસેથી રૂપિયા 38 લાખ રિકવર કરવામાં કર્યા છે.
38 લાખની રિકવરી કરાઇ
ડમીકાંડને ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હવે ખુદ ડમીકાંડમાં ફસાયો છે. ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ, તેના બે સાળા અને બિપીન ત્રિવેદી સહિત છ લોકો સામે ખંડણી અને કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાંથી ચારની ધરપકડ કરી લેવામાં આવી છે. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર ન કરવા માટે પ્રકાશ દવે ઉર્ફે પી.કે. દવે પાસેથી 45 લાખ રૂપિયા અને પ્રદીપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા ધમકી આપી લીધા હોવાનું પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે. હવે આ મામલે પોલીસે ડિલ થયા પ્રમાણે યુવરાજસિંહે સ્વીકારેલા નાણા તેના સાળા કાનભા આપ્યા હતા અને તે નાણા કાનભાએ તેના મિત્રના ઘરે બેગમાં રાખ્યા હતા. જેમાથી SITની ટીમે 38 લાખની રિકવરી કરી સરકારી પંચોને સાથે રાખી પંચનામુ કર્યું છે.
કાનભાએ તેના મિત્રના ઘરે રૂપિયા ભરેલો થેલો મુક્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે યુવરાજસિંહના સાળા કાનભાને સુરતથી ઝડપી ભાવનગર લાવી પુછપરછ કરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન તેણે પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે, યુવરાજસિંહની તા.5-4-2023ની કોન્ફરન્સમા ડમી ઉમેદવાર કાંડમાં પ્રકાશકુમાર ઉર્ફે પી.કે. તથા પ્રદીપ બારૈયાનું નામ ન લેવા તેમની પાસેથી ધનશ્યામ લાધવા તથા બીપીન ત્રીવેદી મારફતે 1 કરોડ રૂપિયાની માંગણી કરાઇ હતી. જેની ડીલ તેના ભાઇ શિવુભાની ઓફિસે તા.12-4-2023ના રોજ થઇ હતી. જે નાણા તેમણે લીધા હતા એ તેના મિત્ર જીત હીતેન્દ્રભાઇ માંડવીયા (રહે. રૂપાણી સર્કલ ભાવનગર)ના ઘરે મૂકવામાં આવ્યા હતા. જે જગ્યાએ તપાસ કરતા SITને એક બેગમાંથી રૂપીયા 38 લાખ મળ્યા હતા, જે રિકવર કરવામા આવ્યા છે.
કમિશન પેટે 10 ટકા લેખે રૂપીયા 10 લાખ લીધા હતા
પોલીસે કાનભાની ડીપમાં પુછપરછ કરતાં એવુ પણ જાણવા મળ્યું છે કે, આ 1 કરોડ બળજબરીથી કઢાવી આપવા મધ્યસ્થીની ભૂમીકા ભજવનાર ધનશ્યામ લાધવા તથા બીપીન ત્રીવેદીને કમિશન પેટે 10 ટકા લેખે રૂપીયા 10 લાખ જે બંનેના ભાગે પાંચ-પાંચ લાખ રૂપીયા કાનભાના ભાઇ શિવુભાએ આપેલા છે. મહત્વનું છે કે, ધનશ્યામ લાધવા અને બીપીન ત્રીવેદી હાલ તા.29 એપ્રિલ સુધીના રિમાંડ પર છે.
શિવુભા પોલીસથી પકડથી બહાર
નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગત તા. 21/4ના રોજ યુવરાજસિંહ, તેના બે સાળા શિવુભા અને કાનભા. આ ઉપરાંત ઘનશ્યામ લાધવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામના એક અન્ય વ્યક્તિ સામે 386, 388, 120બી મુજબ ગુનો નોંધાયો હતો. જેમાંથી SITની ટીમે યુવરાજસિંહ, કાનભા, ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરી છે. જ્યારે રાજુ પોલીસ જાપ્તામાં છે અને શિવુભા પોલીસથી પકડથી બહાર છે.
‘જે કૌભાંડ ખુલ્લા કરવાની વાત કરતો હતો એજ પાંજરામાં પૂરાયો’
મહત્વનું છે કે, શુક્રવારે ભાવનગર આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ડમીકાંડ અને યુવરાજસિંહને લઈ મોટું નિવેદન આપ્યું હતું. સી.આર.પાટીલે યુવરાજસિંહનું નામ લીધા વિના કહ્યું હતું કે, આખા દેશે જોયું છે કે, જે વ્યકિત પોતે કૌભાંડ ખુલ્લા કરવાની વાત કરતો હતો તે પોતે આજે પાંજરામાં પૂરાયો છે અને કરોડો રૂપિયા ઉસેટી લીધા છે. આ મામલામાં યુવરાજસિંહ દ્વારા લેવામાં આવેલા રાજનેતાઓના નામને લઈ પણ પાટીલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સુરતમાં નિવેદન કરતા કહેવામાં આવ્યું હતું કે, ડમીકાંડ મામલે જે સાચી માહિતી મળી એ બાબતે કામગીરી કરવામાં આવી છે અને હજી પણ કરવામાં આવશે. પરંતુ, એનો મતલબ એ નથી કે, સાચી માહિતી આપવાની સાથે અન્ય ગુનેગારો સાથે સેટલમેન્ટ કરી લેવામાં આવે.
‘માહિતી આપવાનો મતલબ એ નથી કે, તમે મનચાહેલી વસ્તુ નક્કી કરી લો’
જ્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સાચી માહિતી આપવી એનો મતલબ એ નથી કે બીજી માહિતી સેટલમેન્ટ થકી રોકવામાં આવે. સાચી માહિતી આપવી આવકાર્ય છે પણ કાયદાનું પાલન કરવું જોઈએ. સાચી માહિતી હતી જે લોકો પકડાયા છે તેમાં હું એમની માહિતીને આવકારું છું. પણ માહિતી આપવાનો મતલબ એ નથી કે, તમે કોઈ વ્યકિતના ખોળે બેસીને કોઈપણ પ્રક્રિયા કરીને તમે મનચાહેલી વસ્તુ નક્કી કરી લો. જે ગુનેગાર છે તેના નામ છુપાવવા એ પણ એટલું જ મોટું પાપ છે. જે ગુનેગારના નામ છુપાવવા પાછળ શું થયું છે? તે પણ જાણવું એટલું જ જરુરી છે. ડમીકાંડમાં જોડાયેલા તમામ લોકો સામે કડકમાં કડક પગલાં ભરીશું. અંતમાં કહ્યું હતું કે, આ વિષય રાજકારણ સાથે જોડાયેલો નથી.
8 કલાકની પૂછપરછ બાદ 6 સામે ગુનો નોંધાયો હતો
ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવી 21 એપ્રિલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. શુક્રવારે બપોરે 12 વાગ્યે પોલીસ સમક્ષ હાજર થયેલા યુવરાજસિંહની સતત 8 કલાક સુધી મેરેથોન પૂછપરછ ચાલી હતી. પૂછપરછ બાદ ભાવનગર પોલીસે ખુદ ફરિયાદી બની યુવરાજસિંહ જાડેજા, શિવુભા, કાનભા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામના વ્યકિત સામે આઈપીસી કલમ 386, 388 અને 120 B હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હાલ યુવરાજસિંહ રિમાન્ડ પર છે.
‘વિદ્યાર્થીનો ડમી વીડિયો બનાવીને ડર બતાવ્યો’
ભાવનગર પોલીસે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ અને તેમના માણસોએ રૂષિત બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયોનો ડર પ્રકાશ દવેને બતાવી તેનું નામ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નહીં લેવા પેટે બળજબરી અને ધાક ધમકીથી રૂપિયા 45 લાખ પડાવી લીધાની હકીકત જણાયેલી જેના સમર્થનો કરતા નિવેદનો તથા અન્ય પુરાવાઓ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા હતા. તેવી જ રીતે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા માટે પ્રદીપ બારૈયા નામના વ્યકિત પાસેથી યુવરાજસિંહ તથા તેના માણસોએ 55 લાખ રૂપિયા લીધા હોવાની વિગત સામે આવતા તેમના પણ પુરાવાઓ મેળવાયા હતા.
બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લીધાના આક્ષેપ કર્યો હતો
14મી એપ્રિલે ભાવનગર પોલીસ દ્વારા 36 લોકો સામે ડમીકાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાના બીજા દિવસે યુવરાજસિંહના જૂના સાથી એવા બિપિન ત્રિવેદી દ્વારા એક વીડિયો વાઈરલ કરી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ડમીકાંડમાં ચોક્કસ વ્યકિતને લઈ યુવરાજસિંહે 55 લાખમાં ડીલ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ પોલીસે યુવરાજસિંહને સમન્સ પાઠવીને હાજર થવા કહ્યું હતું. યુવરાજસિંહ હાજર થતાં 8 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ સમક્ષ હાજર થતા પહેલા શું કહ્યું હતું યુવરાજસિંહે?
ભાવનગર એસપી કચેરી બહાર યુવરાજસિંહે શુક્રવારે સવારે પત્રકાર પરિષદ યોજી અનેક મંત્રી, પૂર્વ શિક્ષણમંત્રીનાં નામો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કૌભાંડમાં મોટાં માથાં મને દબાવવાના પ્રયાસ કરે છે. ભૂતકાળમાં પણ પોતાની પાર્ટીમાં આવવાના પ્રલોભનો આપ્યા હતા. આ કૌભાંડ 2011થી નહીં, 2004થી ચાલે છે. કેટલાક તો ગેજેટેડ ઓફિસર બની ગયા છે. એવા એકેયને સમન્સ પાઠવ્યું નથી. અવિનાશ પટેલનું અને જશુ ભીલને કેમ સમન્સ ના આપ્યું? યુવરાજસિંહે અવધેશ, અવિનાશ, આસિત વોરા, જશુ ભીલ અને જિતુ વાઘાણીનાં પણ નામો બોલ્યા હતા. હું વધુ 30 જેટલાં નામો આપવાનો છું, જેમાં પૂર્વ શિક્ષણમંત્રી અને વર્તમાન મંત્રી પણ છે.
યુવરાજસિંહે પોલીસ પૂછપરછમાં વધુ 22 નામો આપ્યા હતા
યુવરાજસિંહ હાજર થયા બાદ રેન્જ આઈજીએ કહ્યું હતું કે, પૂછપરછ દરમિયાન યુવરાજસિંહે વધુ 22 નામો આપ્યા છે. તેઓને પૂછપરછ માટે બોલાવી તપાસ કરાશે. જીતુ વાઘાણી અને આસિત વોરાના નામો અંગે કહ્યું હતું કે, યુવરાજસિંહ દ્વારા તપાસનીશ અધિકારી સમક્ષ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.