કેન્દ્રશાસીત દીવ પ્રદેશમાંથી બૂટલેગરો દારૂની હેરાફેરી કરી બરોબાર સપ્લાઇ કરતા હોય છે, પરંતું હવે એસટી વિભાગના કર્મચારીઓ બૂટલેગરની ભૂમિકામાં ભજવતા હોય તેમ બે મહિનામાં બીજીવાર એસ.ટી બસમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. ત્યારે દીવ ગાંધીનગર રૂટની એસટી બસમાં દારૂ હોવાની બાતમી આધારે પોલીસે એસ.ટી વોલ્વો બસને રોકવી તલાશી લેતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે વોલ્વો બસના ડ્રાઇવર વિરૂદ્ધ ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દીવ-ગાંધીનગર રૂટની વોલ્વો બસમાં દીવથી ઉના તરફ આવતી વોલ્વો બસમાં દારૂ હોવાની બાતમી આધારે પોલીસે માંડવી ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. જ્યાં બાતમી વાળી આવી ચઢતા વોલ્વો બસને ઉભી રાખી બસની તલાશી લેતા બસના ડ્રાઇવરની પાછળની સીટમાં ખાલી જગ્યામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો 8 કિં. રૂ. 3 હજાર 200નો મળી આવતા દારૂનો જથ્થો કબ્જે કરી ડ્રાઈવર વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસે વોલ્વો બસમાં દારૂ ઝડપી પાડતા બસમાં બેઠેલાં પેસેન્જરો કલાકો સુધી રઝળી પડ્યા હતા અને ડેપોએ પેસેન્જરો માટે અન્ય બસની વ્યવસ્થા કરવી પડી હતી. આ પહેલા પણ દિવ ચેકપોસ્ટ નજીકથી વણાંકબારા પોરબંદર રૂટની એસ.ટી.બસમાંથી દારૂ ઝડપાયો હતો.