- જન્મજાત બાળકથી 100 વર્ષ સુધીની કોઇપણ વ્યક્તિને થઇ શકે છે બ્રેઈન ટ્યુમર
- મગજના કેન્સર માટે દેશભરમાંથી 15,000 થી પણ વધુ દર્દીઓની સારવાર કરાઈ
- માથાનો દુખાવો, ઉલટી, ખેંચ સહિતના લક્ષણો, ન્યુરોસર્જનના MRI ની તપાસ કરાવવી
બ્રેઈન ટ્યુમર એટલે કે, મગજની ગાંઠ પર ઘણું બધુ વિજ્ઞાનમાં લખાઇ ચુક્યું છે. જેનો સમય 100 વર્ષથી પણ વધુ છે. છેલ્લા 10 વર્ષમાં ખાસ કરીને બ્રેઈન ટ્યુમરની નિદાન તથા સારવાર માટે ઘણી અદ્યતન પદ્ધતિઓ તથા સાધનોની શોધથી હવે ઘણું કામ સરળ બન્યુ છે. ઉપરાંત પરિણામલક્ષી રોગમાં વહેલા ધોરણે થયેલ નિદાનના લીધે ઘણાં ખરા બ્રેઇન ટ્યુમરમાં દર્દી સામાન્ય જીંદગી જીવી શકે છે. પરંતુ આ Technical Advancement એટલે કે ઉપકરણોની અગ્રીમતા, ત્યારે જ સાચા અર્થમાં દર્દીઓ માટે પરિણામ આપી શકે છે, જ્યારે બ્રેઇન ટ્યુમરના સંદર્ભમાં સમાજમાં હજીપણ પ્રવર્તતી અજ્ઞાનતા દુર થાય.
ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી અને GCRIમાં બ્રેઇન ટ્યુમરની સફળ સારવાર કરાવેલા એક દર્દી ભરતભાઈ બારૈયાના નાનાભાઈના શબ્દો ઘણુ બધુ કહી જાય છે.
“મારા મોટાભાઈ ભરતભાઈને સિટીસ્કેન કરાવવાથી ખબર પડી હતી કે તેમને મગજમાં ગાંઠ થઈ છે. ત્યારબાદ અમને અહીંયા સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગના ડોકટરોએ આના વિશે પૂરતી માહિતી આપી હતી અને તેના ઈલાજ વિશે પણ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તે પછી અમે અહીં ઓપરેશન કરાવવાનો નિર્ણય કર્યો હતો. અહીંયા મારા મોટાભાઇની સારવાર ખુબ સારી કરવામાં આવી અને દેખભાળ પણ પૂરતી રાખવામાં આવી. સમયાંતરે ડોકટરો તથા તેમના સ્ટાફ દ્વારા પણ પૂરતું ધ્યાન આપવામાં આવતું હતું. જેથી કરીને આજે મારા મોટાભાઈ જમી શકે છે અને વાત પણ કરી શકે છે. અત્યારે તેમની તબિયતમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે…”
બ્રેઈન ટ્યુમરના રોગોના લક્ષણ વિશે અને તેની અદ્યતન સારવાર વિશે માહિતી લેવી ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે અતિશય માથાનો દુખાવો, ઉલટી, ખેંચ અને અમુક કિસ્સામાં હાથ-પગમાં પડેલ લકવો – જેવા ચિહનો જોવા મળે તો ન્યુરોફિઝિશ્યન અથવા ન્યુરોસર્જનના માર્ગદર્શન હેઠળ MRI ની તપાસ દ્વારા તાત્કાલિક ધોરણે આગળ વધવું હિતાવહ છે. ‘માથાનો દુખાવો’ જેને આપણે ઘણા કેસમાં સામાન્ય ગણીએ છીએ, જે Migraine કે Stress Headache પણ હોઇ શકે છે. પરંતુ આવા કેસમાં સ્વનિદાન કે Google આધારિત પધ્ધતિઓનું અમલીકરણ ઘણીવાર જોખમી પુરવાર થાય છે. સમાજમાં હજી પણ પ્રવર્તતી ઘણી ગેરસમજ તથા ગેરમાન્યતાઓ દુર થવી અત્યંત જરૂરી છે. તે જ આજના World Brain Tumor Day નો સંદેશ.
મગજની ગાંઠ એ ઝેરી તથા સાદી પણ હોઈ શકે છે. સામાન્યતઃ તેનો incidence વિકસીત તથા વિકાશશીલ દેશોમાં પણ અલગ છે. વૈશ્વિક આંકડાઓ મુજબ, દર લાખે 3 થી 4 પુરૂષોમાં અને દર લાખે 2 થી 3 સ્ત્રીઓમાં ઝેરી ગાંઠ જોવા મળે છે. જ્યારે Over All, સાદી તથા ઝેરી ગાંઠનો આંકડો દર વર્ષે, લાખમાં 14થી 15 સુધીનો છે. બ્રેઈન ટ્યુમર માટે કોઈ જ ઉંમર નિશ્ચિત હોતી નથી. કમનસીબે આ ગાંઠ જન્મજાત બાળકથી લઈને 100 વર્ષ સુધીની વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે. બાળકોમાં રોગના લક્ષણો જલ્દી ન પકડાવાના લીધે સારવારમાં ઘણી અડચણ આવી શકે છે. નાના બાળકોમાં માથાનું કદ મોટું થવું, અતિશય ઊલટી થવી, ખેંચ આવવી, વિકાસ ધીમો પડવો કે ચાલમાં તકલીફ પડવી, વગેરે જેવા રોગના લક્ષણો જોવા મળે છે.
આજે શહેર ઉપરાંત ગામડામાં પણ આધુનિકીરણના લીધે સીટી સ્કેન તથા MRI Centers જોવા મળે છે. જેના લીધે “Detection Rate of Brain Tumors” પહેલાં કરતાં વધ્યા છે.
અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી- ધ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં(GCRI) વર્ષોથી આવા બ્રેઈન ટ્યુમરના અઢળક કેસની, નિષ્ણાંત ન્યુરોસર્જન દ્વારા અદ્યતન સારવાર સફળતાથી ચાલે છે. સંસ્થાના નિયામકશ્રી ડો. શશાંક પંડ્યા કહે છે કે, “અહીં અત્યંત આધુનિક ઉપકરણોની મદદથી છેલ્લા 25 વર્ષથી, દર વર્ષે લગભગ 900 શસ્ત્રક્રિયા થાય છે. Navigation, Endoscope, Stereotactic biopsy frame તથા Latest Microscope – જેવા આધુનિક ઉપકરણોની મદદથી, દર્દીને ઓછામાં ઓછા અથવા નહીવત શારીરિક જોખમ સાથે સારા પરિણામ મળવાની શક્યતાઓ વધે છે. Navigation જેવા અતિ ખર્ચાળ ઉપકરણો તો ઘણી જ ઓછી ખાનગી હોસ્પિટલોમાં જોવા મળે છે. આ ઉપરાંત, અત્યાર સુધી મગજના કેન્સર માટે દેશભરમાંથી લગભગ 15,000 થી વધુ દર્દીઓની GCRI ખાતે સારવાર થયેલ છે. મગજમાં Glioma, Meningioma, Pineal Region Tumours, Acoustic Neuroma, Ependymoma, Lymphoma, Pituitary (હોર્મોન સ્ત્રાવની ગ્રંથી) Tumours અને બીજા ઘણી જાતના Tumours જોવા મળે છે. Pituitary (હોર્મોન સ્ત્રાવની ગ્રંથી) Tumoursની સારવાર તો હવે નાકથી દુરબીન દ્વારા પણ શક્ય છે. જેમાં દર્દી પહેલાની જેમ સામાન્ય લાઈફ જીવી શકે છે. તદઉપરાંત, ઘણાં ખરા કેસમાં એ Benign (સાદી) હોવાથી પરિણામલક્ષી પણ હોય છે. સ્ત્રીઓમાં અમુક કેસમાં તો એ વંધ્યત્વતાનું પણ કારણ હોય છે. જેમાં દુરબીનથી ગાંઢ કાઢ્યા બાદ સફળ ગર્ભાવસ્થા ધારણ કર્યાના કિસ્સા પણ જોવા મળે છે. નાના બાળકોમાં બ્રેઇન ટ્યુમરની શસ્ત્રક્રિયા બાદ રેડિયોથેરાપી (શેક) ન લેવાના લીધે Recurrence (ગાંઠ ફરીથી થવી)ના કેસમાં ઘણો વધારો જોવા મળે છે. જેના માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે, Radiotherapy (શેક) ઘણાં ખરા કેસમાં ઉપયોગી જ નીવડે છે. જેમાં પણ હવે GCRIમાં અત્યંત આધુનિક એવા Cyber -Knife (government set up માં દેશનું એક માત્ર Single shot Radiotherapy નું મશીન)થી હવે સફળતાનો દર વધ્યો છે…” એમ તેઓ ઉમેરે છે.
આ ક્ષેત્રના નિષ્ણાત ડો. આનંદ કહે છે કે, “મગજની દરેક ગાંઠ અલગ પ્રકારની હોય છે. દરેક ગાંઠનું વર્તન મગજમાં જગ્યા નિર્ધારણ મુજબ અલગ હોય છે. આથી જ રોગના લક્ષણઓમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે. અમુક અસામાન્ય કેસમાં, સ્વભાવ બદલાઈ જવો, યાદશક્તિમાં ઘટાડો થવો કે ઉગ્ર અથવા શાંત થઈ જવું — જેવા લક્ષણો પણ જોવા મળે છે. ઓપરેશન બાદ અત્યંત જરૂરી એવી બાયોપ્સી (Histo pathology) દ્રારા દરેક ગાંઠનું Grading હવે શક્ય છે. જેમાં જરૂર પડે તો વધુ પૃથ્થકરણ માટે Molecular Study ની મદદથી પણ ગાંઠની આગળની સારવારમાં ખૂબ મદદ મળે છે. જેનાથી ગાંઠનું ભવિષ્યનું વર્તન અને ભવિષ્યમાં આવનારી તકલીફોનો અંદાજ લગાવી શકાય છે. જે સારી અને સચોટ સારવારમાં ખૂબ મદદરૂપ છે…”
આજથી 35-40 વર્ષો પહેલાં બ્રેઇન ટુયમરનું નિદાન કરવું પણ અઘરુ હતું. ત્યારે એ સમયે નિદાન થયા બાદ ઘણાં લોકો નિઃસહાયતા અનુભવતા હતા. હવે જાગૃતતા વધી છે. પરંતુ અમુક મુદ્દાઓ જેમ કે, મોડા નિદાન કરાવવું, જાતે સારવાર કરવી, ગેરસમજ થવી આ ઉપરાંત સોશિયલ મીડિયા/ગૂગલ આધારિત મળેલ માહિતીના લીધે થતાં નુક્સાનનો આંકડો વધી રહ્યો છે. જે મહદ્અંશે ચિંતાજનક છે.
આજના દિવસે, આપણે આ સમાજ વતી, સમાજ દ્વારા, સમાજ માટે પ્રણ લઇએ કે, કોઇપણ ગેરમાન્યતાનો ભોગ બન્યા વગર બ્રેઇન ટ્યુમર ના લક્ષણોને જલદીથી પકડીને તેનો ઝડપી ઉપચાર કરીએ, એ આજના સમયનું એકમાત્ર નિવારણ છે.
જી.સી.આર.આઈમાં બ્રેઇન ટ્યુમરની સફળ સારવાર કરાવેલા એક દર્દી ભરતભાઈ બારૈયા કે જેઓ ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે, તેઓના નાનાભાઈ પ્રતિભાવ આપતાં જણાવે છે કે, મારા મોટાભાઈ ભરતભાઈને સિટીસ્કેન કરાવવાથી ખબર પડી હતી કે તેમને મગજમાં ગાંઠ થઈ છે. ત્યારબાદ અમને અહીંયા સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગના ડોકટરોએ આના વિશે પૂરતી માહિતી આપી હતી અને તેના ઈલાજ વિશે પણ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તે પછી અમે અહીં ઓપરેશન કરાવવાનો નિર્ણય કર્યો હતો. અહીંયા મારા મોટાભાઇની સારવાર ખુબ સારી કરવામાં આવી અને દેખભાળ પણ પૂરતી રાખવામાં આવી. સમયાંતરે ડોકટરો તથા તેમના સ્ટાફ દ્વારા પણ પૂરતું ધ્યાન આપવામાં આવતું હતું. જેથી કરીને આજે મારા મોટાભાઈ જમી શકે છે અને વાત પણ કરી શકે છે. અત્યારે તેમની તબિયતમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે.