- વેપારીએ GST નંબર સ્થળની બહાર નહીં લખ્યો હોય તો કરવામાં આવતું ઉઘરાણું
- નિયમ પ્રમાણે નોટિસ ફટકારવાની હોવા છતાં મનફાવે તે રીતે કરાતી કાર્યવાહીથી રોષ
- જીએસટી વિભાગ દ્વારા આજથી મેગા અભિયાનનો આરંભ કરાયો
બોગસ પેઢી શોધવા માટે જીએસટી વિભાગ દ્વારા આજથી મેગા અભિયાનનો આરંભ કરાયો છે. આ અભિયાન હેઠળ બોગસ બિલિંગ કરતી પેઢીને તાત્કાલિક રદ કરી દેવાની સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ તેની સાથે પ્રામાણિકતાથી વેપાર કરનારાઓ પણ અધિકારીઓની અમલદારશાહીનો ભોગ બની રહ્યા છે. અનેક સ્થળો પર વેપારીઓએ જીએસટી નંબર લખ્યો નહીં હોવાનું તપાસમાં બહાર આવતા તેઓ સામે નિયમ પ્રમાણે નોટિસ આપીને કાર્યવાહી કરવાના બદલે સ્થળ પર જ ઉઘરાણું કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી છે.
સરકારી આવકને ચૂનો ચોપડનારને શોધીને જીએસટીની આવક વધારવા માટે જીએસટીના અમલ બાદ પહેલી વખત મેગા ડ્રાઇવની શરૂઆત આજથી કરવામાં આવી છે. આ અભિયાન આગામી બે મહિના સુધી ચાલવાનું છે. તેમાં એક હજારથી વધુ બોગસ પેઢી મળી આવવાની શક્યતા રહેલી છે. જેથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી જ કરવામાં આવતા પાંચ હજાર કરોડથી વધુનો બોગસ બિલિંગ અટકવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. આ અભિયાન સરકારની આવક વધારવા માટે જ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ તેના લીધે કેટલાક અધિકારી અને કર્મચારીઓ વેપારીઓને પરેશાન કરી રહ્યા હોવાની પણ વ્યાપક ફરિયાદ ઊઠી છે, કારણ કે વેપારીએ પોતાના વેપારના તેમજ ગોડાઉનના સ્થળે જીએસટી નંબર લગાડવો ફરજિયાત છે. તેમ છતાં કેટલાય વેપારીઓ તેમ કરતા ન હોવાથી અધિકારીઓએ તેઓની સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. નિયમ પ્રમાણે તેઓને નોટિસ આપવાની હોય છે.