વડાપ્રધાન મોદી તેમના મેરેથોન પ્રવાસ અંતર્ગત આજે સાંજે સૌપ્રથમ દાદરા અને નગર હવેલીના સેલવાસની મુલાકાત લેશે. આજે સાંજે 4 વાગ્યે તેઓ સેલવાસ આવશે.
દાદરા નગર હવેલી તેમજ દીવ અને દમણને કરોડોના વિકાસકાર્યોની સોગાત આપશે. વડાપ્રધાન મોદી તેમના મેરેથોન પ્રવાસ અંતર્ગત આજે સાંજે સૌપ્રથમ દાદરા અને નગર હવેલીના સેલવાસની મુલાકાત લેશે. આજે સાંજે 4 વાગ્યે તેઓ સેલવાસ આવશે.
વડાપ્રધાન મોદી દ્વારા સેલવાસમાં નિર્માણ પામેલ અત્યાધુનિક નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્દઘાટન કરવામાં આવશે. જે બાદ તેઓ કુલ 4850 કરોડની 96 વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. સેલવાસથી વડાપ્રધાન મોદી સીધા જ દમણ જવા માટે રવાના થશે. અહીં પીએમ મોદી સાંજે 6 વાગ્યે મેગા રોડ-શો કરશે. જે બાદ તેઓ દેવકા સી ફ્રન્ટનું ઉદ્ઘાટન કરશે.
સૌપ્રથમ વાત કરીએ તો નમો મેડિકલ કોલેજ વડાપ્રધાન મોદી સંઘપ્રદેશના લોકોને મેડિકલ કોલેજની મહત્વપૂર્ણ ભેટ આપશે. જાન્યુઆરી 2019માં આ સંસ્થાનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ જ કર્યો હતો. આ મેડિકલ કોલેજ મળવાથી સંઘપ્રદેશ ઉપરાંત આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘરઆંગણે જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકશે. જેના કારણે દાદરા નગર હવેલીના ડોકટર બનવા માંગતા મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
NAMO મેડિકલ કોલેજનું કરશે લોકાર્પણ
નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 180 જેટલી કુલ મેડિકલ સીટ છે. જે પૈકી દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે 142 રિઝર્વ સીટ છે. કુલ 35 એકરમાં ફેલાયેલી નમો મેડિકલ કોલેજના નિર્માણ પાછળ કુલ 260 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નમો મેડિકલ કોલેજમાં હોસ્ટેલ ફેસેલિટિઝ સાથે અદ્યતન સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સની સુવિધા સાથે સજ્જ સેન્ટ્રલ લાઇબ્રેરીની સુવિધા છે. આ ઉપરાંત નિષ્ણાત તબીબી સ્ટાફ, હાઇટેક લેબોરેટરી, સ્માર્ટ લેક્ચર હોલ, સંશોધન માટે વિશેષ લેબ, એનાટોમી મ્યુઝિયમ, ક્લબ હાઉસ તેમજ રમતગમતની સુવિધાઓનો સમાવેશ થાય છે.
સેલવાસ બાદ વડાપ્રધાન મોદી દમણમાં દેવકા સી ફ્રન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. અંદાજે 165 કરોડના ખર્ચે તૈયાર થયેલા 5.45 કિલોમીટરના સી ફ્રન્ટને વિશ્વ કક્ષાના પર્યટન સ્થળમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. જેમાં સ્માર્ટ લાઇટિંગ, પાર્કિંગની સુવિધા, બગીચા, ફૂડ સ્ટોલ, મનોરંજનના વિસ્તારો અને ભવિષ્યમાં લક્ઝુરિયસ ટેન્ટ સિટીની જોગવાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેવકા સી ફ્રન્ટની મુલાકાત પ્રવાસીઓને અલગ અને અદ્દભૂત અનુભવ કરાવશે. દેવકા સી ફ્રન્ટ એ દમણનું હરવાફરવાનું તેમજ મનોરંજન પ્રવૃતિઓનું મુખ્ય કેન્દ્ર તો બનશે સાથે જ સ્થાનિક અર્થતંત્રને વેગ પણ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.