ગુજરાત કોસ્ટ ગાર્ડ (ICG) અને ATS દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 05 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે એક ઈરાની માછીમારી કરી રહેલી બોટમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે અને એને મધ દરિયે ગુજરાતની કોઈ બોટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ બાતમી આધારે ATSની ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું. દરિયામાં અંધારામાં ઓપરેશન પાર પાડવાનું હોવાથી કોસ્ટગાર્ડની મદદ લેવાઈ હતી.
ભારતીય જળસીમામાં લગભગ એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડની સ્પીડ બોટ દ્વારા દરિયામાં 190 નોટિકલ માઇલ્સ (340 કિમી) ખાતે પહોંચી, બાતમી પ્રમાણેની ઈરાની બોટને અટકાવવા પ્રયાસ કરાતાં તેણે ઇન્ડિયન મરીનલાઈન બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ એને અટકાવી બોટમાં તપાસ કરી હતી. તપાસમાં આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ હતા. એમાંથી 425 કરોડની કિંમતનું 61 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. પાંચેય આરોપીને પકડીને બોટ સાથે રાત્રે ઓખા બંદરે લાવી કાર્યવાહી શરૂ કરાઈ હતી.

425 કરોડની કિંમતનો માદક પદાર્થ મળ્યો
આ સાથે બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે એને ઓખા લાવવામાં આવી રહ્યા છે. છેલ્લા અઢાર મહિનામાં ICG એ ATS સાથેના સંકલનમાં આઠ વિદેશી જહાજને પકડી લીધાં છે અને રૂ. 2355.00 કરોડની કિંમતના 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે.
પાક.ના ગ્વાદર પોર્ટ પરથી ડ્રગ્સ લોડ કરાયાની શંકા
ATSનાં સૂત્રોનું કહેવું છે કે ઇરાનના માછીમારો ગલ્ફ ઓફ ઓમાનથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર ગયા હોવાની શંકા છે, જ્યાંથી હેરોઇનનો જથ્થો લોડ કરીને મધદરિયે બીજી બોટમાં સપ્લાય કરવાનો પ્લાન હોવાની શક્યતા છે. આરોપીની આ મુદ્દે પૂછપરછ કરાશે.
ગુજરાત ડ્રગ્સનો સિલ્ક રૂટ કેવી રીતે બન્યું…..
2019: ગુજરાત એટીએસે રાજ્યમાં વિવિધ ઓપરેશન હાથ ધરીને કુલ 5 કિ.ગ્રા. મેથામ્ફેટામાઇન (એમ.ડી.)/ એફેડ્રિન ડ્રગ્સ, 100 કિ.ગ્રા. હેરોઈન તથા 2.596 કિ.ગ્રા. બ્રાઉનશુગરનો જથ્થો ઝડપી પાડ્યો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 527 કરોડ થવા જાય છે.
2020: ગુજરાત એટીએસે ફરી રાજ્યમાં વિવિધ ઓપરેશન હાથ ધરીને કુલ 6.546 કિ.ગ્રા. મેથામ્ફેટામાઈન (એમ.ડી.)/ એફેડ્રિન ડ્રગ્સ, 35 કિ.ગ્રા. હેરોઈન તથા 653 ગ્રામ બ્રાઉનસુગરનો જથ્થો ઝડપી પાડ્યો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 177 કરોડ થવા જાય છે.
2021: ગુજરાત એટીએસે અત્યારસુધીમાં રાજ્યમાંથી કુલ 1 કિ.ગ્રા. મેથામ્ફેટામાઈન (એમ.ડી.), એફેડ્રિન ડ્રગ્સ, 60 કિ.ગ્રા. હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 301 કરોડ થવા જાય છે.
શ્રીલંકામાં 43 વર્ષ બાદ ડ્રગ્સના તસ્કરોને ફાંસી મળતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ હચમચી
આ ત્રણેય વર્ષના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે અને બહુ મોટું સત્ય આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. સામાન્ય રીતે ગુજરાત એટલે શાંતિપ્રિય, ગુનારહિત લોકોનું સ્થળ ગણાય છે, પરંતુ આજે આ ગુજરાત માત્ર ભારત જ નહીં, પરંતુ પૂર્વ અને ઉત્તર એશિયાના દેશોમાં ડ્રગ્સના કાળા કારોબારનો સિલ્કરૂટ બની ગયું છે. હવે સવાલ એ છે કે છેલ્લાં ત્રણેક વર્ષમાં એવું તે શું થયું કે ડ્રગ્સની હેરફેર માટે ગુજરાત એપી સેન્ટર બની ગયું. આનો જવાબ આપતા ગુજરાત ATSના IPS અધિકારી પહેલીવાર દિવ્ય ભાસ્કરને ગુજરાત ડ્રગ્સની તસ્કરીનો સિલ્કરૂટ કેવી રીતે બન્યું તે સમજાવે છે. વર્ષ 2019માં શ્રીલંકામાં ડ્રગ્સ ગુનામાં ચાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવી. શ્રીલંકામાં 43 વર્ષ બાદ ડ્રગ્સના તસ્કરોને ફાંસી મળતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ હચમચી ગઈ અને તેણે અલગ રૂટ તરફ નજર દોડાવી. આમાં તેની નજર ગુજરાત પર પડી… અને ત્યારથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતા ડ્રગ્સના મધ્ય, ઉત્તર તથા પૂર્વ એશિયાના દેશોમાં જમીનમાર્ગે હેરફેર માટે ગુજરાત એપી સેન્ટર બની ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.