સુરતમાં અડાજણ વિસ્તારની(Surat news) શાળામાં ધો. 9 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી મિત્રો ટ્યુશન જવા નીકળ્યા પછી બંને એક સાથે ગુમ થઇ જતા પરિવારના લોકો અને પોલીસ દોડતી થઇ ગઇ છે. બંનેની શોધખોળ અંતર્ગત બે પૈકી એક વિદ્યાર્થીની બેગમાંથી એક ચિઠ્ઠી મળી છે તેમાં લખ્યું છે કે, હું સફળ થવા માટે જાઉં છું અને હું દસ વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં.
સુરતના (Surat news) પાલ વિસ્તારમાં રહેતો 14 વર્ષીય રાજન ગઈ કાલે પોતાની દિનચર્યા અનુસાર અડાજણ વિસ્તારમાં પોતાની સ્કૂલે ગયો હતો. સ્કુલેથી બપોરે ઘરે આવ્યા પછી રાજન રાબેતા મુજબ પાલ વિસ્તારમાં ટ્યુશને ગયો હતો પરંતુ ત્યાંથી સમયસર પાછો આવ્યો ન હતો. જેથી તેના માતા-પિતા સહિતના પરિવારના લોકો સહિત રાજનની શોધખોળ કરવામાં આવી હતી અને તેના ટ્યુશન ક્લાસીસ ખાતે પણ તેની તપાસ કરવામાં આવી હતી.
જયારે પરિવારના લોકો ટ્યુશન ક્લાસ ગયા ત્યાર તેઓને ખબર પડી કે રાજનની ગત રોજ ટ્યુશનમાં ગેરહાજરી હતી અને તેની સાથે જ અભ્યાસ કરતો 14 વર્ષીય પ્રિયાંક પણ ગેરહાજર હતો. જેથી રાજનના માતા-પિતાએ પ્રિયાંકના ઘરે તપાસ કરી હતી. પ્રિયાંક પણ ઘરેથી ટ્યુશન જવાનું કહીને નીકળ્યો હતો પરંતુ તેની પણ ટ્યુશનમાં ગેરહાજરી હોવાથી બંનેના પરિવારના લોકો અને તેના અન્ય મિત્રો તથા સગાસંબંધીઓ તેઓની શોધખોળ કરી હતી પરંતુ તેઓની કઈ ખબર મળી નથી.
જો કે બંને મિત્ર તેઓ જયાં ટ્યુશન જાય છે ત્યાંની સોસાયટીના CCTV કેમેરામાં કયાંક જતા હોય તેવું જોવા મળતા તરત જ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં તેમની શોધખોળ શરૂ કરવાની સાથે રાંદેર અને પાલ પોલીસને જાણ કરી હતી. જે પૈકી બંને મિત્રો પાલ વિસ્તારના ટ્યુશન ક્લાસીસ નજીકના CCTVમાં નજરે પડતા હોવાથી પાલ પોલીસે અપહરણની આશંકા વ્યકત કરતી ફરિયાદ નોંધી બે અલગ-અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે.
જે અંતર્ગત પ્રિયાંકના ઘરેથી તેની બેગમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં લખ્યું હતું કે હું સફળ થવા માટે જઈ રહ્યો છું અને હું દસ વર્ષ પછી પાછો આવીશ, મને શોધતા નહીં. જેથી પરિવારના લોકો ચોંકી ગયા હતા. મળતી માહિતી અનુસાર, શોધખોળ અંતર્ગત બંને મિત્રો સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી અમદાવાદ તરફ ગયા હોવાથી પોલીસ એક ટીમ અમદાવાદ પણ પહોંચી છે. પરંતુ બંને મિત્રો અંકલેશ્વર સ્ટેશને ઉતરી ત્યાંથી ભરૂચ પહોંચ્યા હોવાનું જાણવા મળતા પોલીસ ટીમે પાછી ભરૂચ આવી તેમની શોધખોળ શરુ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.