સુરતના અડાજણમાં મધુવન સર્કલ પાસે એક ચાલુ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં 2 બાળકો સહિત 4 લોકો સવાર હતા. બીજી તરફ કારમાં આગ લાગતા તમામ સભ્યો બહાર નીકળી ગયા હતા. બીજી તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખેઆખી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગે ઘટનાસ્થળે આવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સમયસર કારમાં સવાર તમામ લોકો બહાર ઉતરી ગયા
સુરતના અડાજણ મધુવન સર્કલ પાસે આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જેથી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આગના કારણે આખેઆખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
બોનેટમાંથી ધુમાડા નીકળતા કાર રોકી દીધી
ફાયર ઓફિસર સંપથ સુથારે જણાવ્યું હતું કે, અડાજણ વિસ્તારમાં રહેતા જીગરભાઈ કારમાં પત્ની અને બે બાળકો સાથે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મધુવન સર્કલ પાસે બોનેટમાંથી ધુમાડા નીકળતા તેઓએ કાર ત્યાં જ ઊભી રાખી દીધી હતી. બાદમાં તમામ સભ્યોને બહાર કાઢી લીધા હતા. બીજી તરફ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. અમને બનાવની જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.