- જેની પાસે ટિકિટ નથી, ગેટના બેરિકેડ્સ પાસે પણ ન જવા દીધા
- સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાઈનો લાગી
- ફાટેલી ટિકિટના લોકો રડી પડ્યા
આજે સોમવારે IPL-2023 ની આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાવાની છે ત્યારે દર્શકોની ભારે ભીડ સ્ટેડિયમની બહાર જોવા મળી છે. સાંજે 5 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટેની લોકોની ભીડ વધી છે. જેની પાસે ટિકિટ નથી, તેમને ગેટના બેરિકેડ્સ સુધી પણ જવા દેવામાં આવતા નથી. રોડ ઉપરથી જ લોકોને દૂર કરી દેવામાં આવી રહ્યા છે.
સ્ટેડિયમની અંદર જે લોકો પાસે ગઈકાલની ફિઝિકલ ટિકિટ છે,તેવા લોકો પણ અહીં મેચ જોવા આવ્યા છે. સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવા માટે ક્રિકેટરસિયાઓની ભીડ વધી છે. સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાઈનો લાગી છે. જે લોકો પાસે ફિઝિકલ ટિકિટ છે તેમને ટિકિટ તપાસીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઈ છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે લોકો પાસે ફિઝિકલ ટિકિટ નથી અને ઓનલાઇન ટિકિટ છે, તેમના પરિવારની ટિકિટ છે, પરંતુ એક ટિકિટ પણ જો ફાટી ગઈ છે તો તેમને પ્રવેશ આપવામાં આવતો નથી. એને પગલે લોકોએ સ્ટેડિયમની બહાર હોબાળો મચાવ્યો હતો. જ્યારે લોકો પાસે ટિકિટ નથી કે ભીની થઈ ગઈ છે કે જેમની ટિકિટ ફાટી ગઈ છે તેમની હૈયાવરાળ સામે આવી રહી છે. તેઓ પોતાનું દુ:ખ પણ વ્યક્ત કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજની ફાઈનલ મેચમાં પ્રવેશને લઈ કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સ્ટેડિયમના ગેટની બહાર રોડ ઉપરથી જ જેની પાસે ફિઝિકલ ટિકિટ હોય તેવા જ લોકોને સ્ટેડિયમના ગેટ સુધી જવા દેવામાં આવે છે. સ્ટેડિયમમાં પ્રવેશને લઈને ત્રણથી ચાર લેયરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમમાં પ્રવેશ માટે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
જે લોકો પાસે ટિકિટ હતી તેઓ ગઈકાલે મેચમાં પ્રવેશ મેળવ્યા બાદ અંદર જઈને ટિકિટ ફાડી નાખી હતી અથવા તો વરસાદના કારણે ભીની થઈ જવાથી ફાટી ગઈ હતી. રવિવાર હોવાના કારણે લોકો મેચ જોવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા, પરંતુ આજે ચાલુ દિવસ છે અને ફિઝિકલ ટિકિટ ફરજિયાત છે. મોટા ભાગના લોકો પાસે ટિકિટ જે હતી એ વરસાદના કારણે પલળી ગઈ અથવા અંદર જઈને એ ટિકિટ નાખી દીધી હતી, જેના કારણે આજે તેઓ મેચ જોવા આવ્યા નથી.