- સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતા તપાસના આદેશ થયા
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે IPLની ફાઇનલ મેચ હતી
- પોલીસકર્મી છે કે હોમગાર્ડ જવાન તેની ખરાઈ કરી કાર્યવાહી કરવામાં આવશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે IPLની ફાઇનલ મેચ હતી અને હજારોની સંખ્યામાં લોકો મેચ જોવા માટે આવ્યા હતા. મેચ અગાઉ લોકો પોતા-પોતાની સીટ પર પણ બેસી ગયા હતા. આ દરમિયાન પોલીસકર્મી જેવો દેખાતો ખાખી વર્ધિમાં રહેલા વ્યક્તિને એક મહિલાએ ધક્કો મારતા તે તરત જ પડી ગયો હતો. જે બાદ ઉભો થતા ફરીથી મહિલાએ ધક્કો મારતા તે ફરી નીચે પડી ગયો હતો. આ મહિલા અને પોલીસકર્મી વચ્ચે થયેલી ઝપાઝપીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા વાઈરલ થયો છે. આ બનાવમાં પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં હોવાની શંકા સેવાઈ રહી છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીનું કહેવું છે કે બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મીઓને દોરી અને આઇકાર્ડ આપવામાં આવે છે. આ વીડિયોમાં ખાખી કપડામાં દેખાનાર વ્યક્તિના ગળામાં આઇકાર્ડ ન હોવાથી તે પોલીસ કર્મી છે કે હોમગાર્ડ જવાન તે બાબતે ખરાઇ કરી કાર્યવાહી કરાશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે સાંજે મેચ પહેલા એક મહિલા અને પોલીસકર્મી વચ્ચે ઝપાઝપી થઈ હતી. જે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતા વાઈરલ વીડિયોમાં પોલીસકર્મી ખાખી વર્ધિમાં દેખાઈ રહ્યો છે અને મહિલાની બાજુમાં જ બેઠો હતો. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હોવાથી મહિલાએ તેને ધક્કો માર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. લોકોમાં એ પણ ચર્ચા હતી કે, ખાખી કપડામાં દેખાતો વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં હતો.