- પોરબંદરમાંથી ત્રણ, સુરતમાંથી એક પકડાયેલા ISKPના આતંકવાદીઓનો મામલો
- કટ્ટરવાદી યુવકોનું લિસ્ટ બનાવી ઝુબેર સુરતની સુમેરાબાનુને મોકલતો અને તે માઇન્ડ વોશ કરતી
- ગુજરાતમાં સ્થાનિક મદદગાર કોણ છે તે જાણવા ATS, NIA, રૉએ તપાસ શરૂ કરી
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP)ના ચાર આતંકીઓને ગુજરાતમાંથી એટીએસની ટીમે શુક્રવારે વહેલી સવારે ઝડપી પાડયા બાદ 13 દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ભારતમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સનો હેન્ડલર શ્રીનગરનો ઝુબેર હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. ઝુબેર સોશિયલ મીડિયામાં કલમ 370, કાશ્મીરમાં આતંકવાદીઓને સુરક્ષા એજન્સીઓ ઠાર કર્યા હોય તેવા વીડિયો પોસ્ટ કરીને ભડકાઉ લખાણ લખીને પોસ્ટ કરતો હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે. આટલુ જ નહીં, શ્રીનગરથી આવેલા ISKPના ત્રણેય આતંકવાદીઓને પોરબંદર તેમજ ગુજરાતમાં કોણ સપોર્ટ કરવાનું હતુ તે જાણવા માટે એટીએસની સાથે હવે NIA અને રૉની ટીમ પણ જોડાઇ છે.
શ્રીનગરમાં રહેતા ઝુબેર અહેમદ મુનશીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સનો ભારતમાં હેન્ડલર બે વર્ષથી કામગીરી કરી રહ્યા છે. પોરબંદરમાંથી ઝડપાયેલા કાશ્મીરના ઉબેર નાસિર મીર, હનાન હયાત શૉલ અને મોહમ્મદ હાજીમ શાહ ત્રણેય છ મહિના કરતાં વધુ સમયથી ઝુબેર સાથે સંપર્કમાં હતા. આટલું જ નહીં, સુરતમાંથી ઝડપાયેલા સુમેરાબાનુને ઝુબેરે એક વર્ષ પહેલાં ISKPમાં જોડી હતી. ઝુબેર અહેમદ મુનશી અલગ અલગ સોશિયલ મીડિયામાં ભારત ઉપરાંત વિશ્વમાં મુસ્લિમો સાથે થયેલા બનાવોના વીડિયો પોસ્ટ કરતો હતો. આટલું જ નહીં, કાશ્મીરમાં કલમ 370 હટયા બાદ મુસ્લિમોનું વર્ચસ્વ ઘટયું છે તેવા લખાણો લખતો હતો. આ ઉપરાંત, સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓને ઠાર કરે તો તેનો વિરુદ્ધ કરતી પોસ્ટ પણ મોકલતો હતો. બાદમાં આવી ભડકાઉ પોસ્ટ પર જે મુસ્લિમ યુવક પ્રતિક્રિયા આપે અને તે યુવક કેટલો કટ્ટરવાદી છે તેનુ થોડા સમય સુધી મોનિરેટિંગ કરતો હતો. બાદમાં કટ્ટરવાદી યુવકોનું લિસ્ટ તૈયાર કરીને સુમેરાબાનુને મોકલી આપતો હતો. આ યુવકો તેમજ યુવતીનો સંપર્ક કરીને તે ઇસ્લામિક સ્ટેટના ભડકાઉ સાહિત્યો તેમજ ભાષણો સંભાળવીને માઇન્ડ વોશ કરતી હતી. બાદમાં સુમેરાબાનુ આવા યુવક યુવતીઓ પાસે બાયાક્રહ લેવડાવીને તેઓ પોતાની મરજીથી અલ્લાહ માટે શહાદત વ્હોરવા જઇ રહ્યા છે તેવો વીડિયો બનાવીને ISKPના હેન્ડલર ઝુબેરને મોકલી આપતી હતી. જે વીડિયો ઝુબેર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓને મોકલી આપતો હતો. બાદમાં ISKPના આકાઓ ફરમાન કરે ત્યારે ઝુબેર અને સુમેરાબાનુ અલગ અલગ રીતે યુવકોને દરિયાઈ માર્ગે હિજરત કરાવીને અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ માટે મોકલતા હોવાનું તપાસમાં ખૂલ્યું છે, જેના પગલે પોરબંદર, સુરત તેમજ ગુજરાતમાં ISKPના આતંકીઓને કોણ સ્પોર્ટ કરી રહ્યું છે તે અંગે NIA, રૉ અને ATSની ટીમ તપાસ હાથ ધરી છે.
ઝુબેર -સુમેરાબાનુએ અનેક શખ્સોને હિજરત કરાવી હોવાની આશંકા
ભારતમાં ISKPનો હેન્ડલર ઝુબેર અહેમદ મુનશી અને સુરતમાંથી ઝડપાયેલ સુમેરાબાનુ બંને ભેગા મળીને અનેક મુસ્લિમ યુવક યુવતીઓનું માઇન્ડ વોશ કરીને તેઓને ISKP આતંકી સંગઠનમાં જોડીને ટ્રેનિંગ માટે હિજરત કરાવી હોવાની સુરક્ષા એજન્સીઓને શંકા છે. આથી સુરક્ષા એજન્સીઓ દ્વારા સુમેરાબાનુની હાલમાં કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.
સુરક્ષા એજન્સીને ગેરમાર્ગે દોરવા ચારેય આતંકીના જવાબ અલગ અલગ
પોરબંદરમાંથી પકડાયેલ ત્રણ અને સુરતમાંથી એક એમ ચારેય આતંકીઓના 13 દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથધરી છે ત્યારે સૂત્રોએ જણાવ્યુ કે, સુરક્ષા એજન્સી દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબો અલગ અલગ આપીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.