રાજકોટઃ હિરાસર ખાતે રવિવારે રાત્રે રાજકોટ એરપોર્ટના નિર્માણાધીન સ્ટોરરૂમમાં આગ લાગતા વીજ ઉપકરણો અને વાયર બળીને ખાખ થઈ ગયા હતા. અંદાજે 3.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.
રવિવારે સવારે 7 વાગ્યે રાજકોટ ફાયર બ્રિગેડને ફોન આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આગમાં રનવે માટે વપરાતા રંગો, કેમિકલ, એસી વાયરિંગ અને પીવીસી પાઇપો અને લાઈટો બળીને ખાખ થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. જો કે, ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલુ હતી. લગભગ એક કલાકમાં આગ કાબુમાં આવી હતી.
રાજકોટ જિલ્લા સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે નવા એરપોર્ટનું કામ લગભગ પૂર્ણ થઇ ગયું છે અને વિમાનના લેન્ડિંગ અને ટેકઓફની ટ્રાયલ ચાલી રહી છે. નવા એરપોર્ટનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થવાની સંભાવના છે, એમ જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું.