‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જેનિફરની લેખિત ફરિયાદના આધારે મુંબઈ પોલીસે હવે કેસની તપાસ શરૂ કરી છે. જો કે, આ મામલામાં એફઆઈઆર નોંધવાની બાકી છે. પોલીસનું કહેવું છે કે ‘તેઓ ટૂંક સમયમાં આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોના નિવેદન નોંધશે.’ અસિત સિવાય જેનિફરે પોતાની ફરિયાદમાં શોના કેટલાક અન્ય ક્રૂ મેમ્બરો પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
દૈનિક ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન જેનિફર મિસ્ત્રીએ અસિત પર આરોપ લગાવ્યો છે કે ‘2019થી જ્યારે અમે શૂટિંગ માટે સિંગાપોર ગયાં હતાં ત્યારથી અસિત મારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે. ઘણી વખત તેઓ હોટલના રૂમમાં આવવાનું પણ કહેતા હતા, પછી જ્યારે હું ના પાડતી ત્યારે તેઓ કહેતા હતા કે, તે મજાક કરી રહ્યા છે. લોકો સામે મારા હોઠ વગેરેની પ્રશંસા પણ કરતા હતા. મને પર્સનલ મેસેજ કરતા હતા, જેને હું ઇગ્નોર કરતી તો આડકતરી રીતે મારો સંપર્ક કરતા હતા, મેં કેટલીવાર ના પાડી હતી. મેં જેટલી વાર ના પાડી એટલી તેમણે મને વધારે હેરાન કરી છે.’
અસિતની હરકતોથી કંટાળીને જેનિફરે શો છોડી દીધો છે અને નિર્માતાને લીગલ નોટિસ મોકલી છે. આ શોમાં જેનિફર રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવી રહી હતી.
‘જો તું મારી નજીક હોત તો હું તને ગળે વળગાડી દેત.’
તેણે વધુમાં કહ્યું, ‘મારી મેરેજ એનિવર્સરીના બીજા દિવસે તેઓ મને ફોન કરીને કહે છે કે, હવે વર્ષગાંઠ પૂરી થઈ ગઈ છે, રૂમમાં આવો. મને એ સમયે બહુ જ ખરાબ લાગ્યું હતું અને ખૂબ રડતી હતી. એક દિવસ મને કોઈ અંગત સમસ્યા હતી, અસિતે ફોન કરીને મને કહ્યું, ‘જો તું મારી નજીક હોત તો હું તને ગળે લગાડી દેત.’ – તેમણે જે રીતે કહ્યું એ કહેવાની રીત ખૂબ જ ગંદી હતી. આવી ઘણી ઘટનાઓ બની હતી, હું શરૂઆતમાં સમજી શકી ન હતી, પરંતુ પછી જેમ-જેમ હું સમજતી ગઈ એમ-એમ મારી તકલીફો વધી અને અંતે… અસિતે મારા કૉલ ઉપાડવાનું બંધ કરી દીધું અને પ્રોફેશનલ મેસેજિસને પણ અવગણવાનું શરૂ કર્યું, .મારી રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. મારો પગાર સૌથી ઓછો હતો અને હું સેટ પર મારી પાસે શોટ હોય કે ન હોય, સૌથી વધુ બેસી રહેતી હતી. તેમણે પર્સનલ અને પ્રોફેશનલ હેરેસમેન્ટ કરવાનું શરૂ કર્યું. માત્ર અસિત જ નહીં, પરંતુ તેની ટીમના સભ્યો સોહેલ અને જતિન પણ આ હેરાનગતિમાં સામેલ છે.’
’24 માર્ચે ટીમ તરફથી મને મેસેજ આવ્યો’ : જેનિફર‘
આ હોળીમાં મારે મારી પુત્રી સાથે સમય પસાર કરવો હતો.પરંતુ તેમણે મને સેટ પર હાજર રહેવા દબાણ કર્યું, તેમણે મારા સિવાય ટીમના તમામ સભ્યોને મેનેજ કરી દીધું હતું. જ્યારે મને સેટ પર હાજર રહેવા મજબૂર કરી, જબરદસ્તીથી બહાર ગઈ ત્યારે ત્યારે શોના સોહેલ અને ક્રિએટિવ પર્સન જતિને મને ખૂબ જ ખરું-ખોટું સંભળાવ્યું હતું. મારી ગાડીને રોકી. હું રડી રહી હતી. આ ઘટના 7 માર્ચે બની હતી. એ દિવસ પછી મેં સેટ પર જવાનું બંધ કરી દીધું હતું. 24 માર્ચે મને ટીમ તરફથી મેસેજ મળ્યો કે મારા કારણે તેઓ નુકસાનનો સામનો કરી રહ્યા છે. તેઓ મને ડરાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હું બિલકુલ ડરીશ નહીં.’
‘મેં શો છોડ્યા પછી તેઓએ મારા પૈસા કાપી નાખ્યા’ : જેનિફર
તે ઘણીવાર મેલ એક્ટર સાથે એડજસ્ટ થાય છે. આ શોમાં લોકો દુરાચારી વિચારસરણીથી પીડિત છે. જતીને મારી કાર બળજબરીથી રોકી લીધી હતી. એ તમામ દુર્વ્યવહાર સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે. આ ઘટના 7 માર્ચની છે. પછી પણ મને લાગ્યું કે આ લોકો મને બોલાવશે, પરંતુ 24 માર્ચે સોહિલે મને નોટિસ મોકલી કે મેં શૂટ અડધેથી છોડી દીધું હતું. તેથી તેઓ મારા પૈસા કાપી રહ્યા છે. આ રીતે મને ડરાવવાનો પ્રયાસ કર્યો છે.’
‘તેઓ ગેરવર્તન કરતા હતા’ : પ્રોડક્શન હેડ સોહિલ રામાણી અને જતીન બજાજ
પ્રોડક્શન હેડ સોહિલ રામાણી અને જતીન બજાજનું કહેવું છે કે ‘તે સમગ્ર ટીમ સાથે અવારનવાર ગેરવર્તન કરતી હતી. શૂટિંગમાંથી જતી વખતે તે રસ્તામાં ઊભેલા લોકોની પરવા કર્યા વિના બેફામ સ્પીડે કાર હંકારીને ચાલી ગઈ હતી. તેણે સેટની પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચાડ્યું. અમારે શૂટિંગ વખતે તેનાં આવાં ખરાબ વર્તન અને ગેરશિસ્તને કારણે તેનો કોન્ટ્રેક્ટ રદ કરવો પડ્યો. આ સમગ્ર બનાવ વખતે અસિતજી અમેરિકામાં હતા. હવે તે પાયાવિહોણા આક્ષેપો કરીને અમારી બદનક્ષી કરવાનો પ્રયાસ કરી રહી છે. તેના પાયાવિહોણા આક્ષેપો સામે અમે સંબંધિત સત્તાધીશો સમક્ષ અમારી ફરિયાદ દાખલ કરી દીધી છે.’
અસિત કુમાર મોદીએ પણ પોતાનો પક્ષ રાખ્યો
સિરિયલના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ પોતાનો પક્ષ રાખતાં કહ્યું કે, ‘શૂટિંગ દરમિયાન તેનાં ખરાબ વર્તન અને શિસ્તભંગના કારણે અમારે તેનો કરાર સમાપ્ત કરવો પડ્યો. તે હવે પાયાવિહોણા આરોપો લગાવીને અમને અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પાયાવિહોણા આરોપો સામે અમે સંબંધિત અધિકારીઓને અમારી ફરિયાદ કરી ચૂક્યા છીએ.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.