- મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વ્યવહારની ફરિયાદ
- મનોદિવ્યાંગતા 40%થી વધુ હોવાનું કહી મેડિકલમાં પ્રવેશ નકારાયેલો
- દિવ્યાંગ વ્યક્તિઓને અનામત આપવામાં આવેલી છે
સુપ્રીમ કોર્ટે નેશનલ મેડિકલ કાઉન્સિલને આદેશ કર્યો છે કે, સ્પેશિયલ લર્નિંગ ડિસઓર્ડર ( એસએલડી) અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ( એએસડી) વાળા જે વિદ્યાર્થીઓને એમબીબીએસના કોર્સમાં પ્રવેશ મેળવવો છે, તે વિદ્યાર્થીઓની આકારણીઓની પદ્ધતિઓની તપાસ કરવા માટે નિષ્ણાતોની એક પેનલની રચના કરો.
એમબીબીએસના કોર્સમાં પ્રવેશ માટે દિવ્યાંગ વ્યક્તિઓને અનામત આપવામાં આવેલી છે. જો કે, અરજદારની માનસિક દિવ્યાંગતા 55 ટકા હોવાથી તેને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે અયોગ્ય જાહેર કરેલ. જેથી, તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થયેલી છે. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે એસએલડી અને એએસડીથી પીડિત વ્યક્તિ સાથે ખરાબ રીતે વહેવાર કરવામાં આવે છે અને તેમને કાયદાકીય રીતે મળેલા અનામતનો લાભ આપવામાં આવતો નથી. અરજદારની માનસિક વિકલાંગતા 40 ટકાથી વધુ હોવાથી કોલેજે તેને મેડિકલ કોર્સમાં પ્રવેશ આપવાની ના પાડી છે. વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ-2016ની કલમ 32 મુજબ પક્ષકારો ( મેડિકલ કોલેજ) બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓને ઓછામાં ઓછા 5 ટકા અનામત આપવા બંધાયેલા છે. કેન્દ્ર સરકાર, એનએમસી અને અન્ય પક્ષકારોને નિર્દેશ આપો કે અરજદારને બેંચમાર્ક ડિસેલિબિટી હેઠળ પ્રવેશ આપે. આ ઉપરાંત, અરજદારની એ પણ રજૂઆત હતી કે માનસિક રીતે વિકલાંગ ઉમેદવારોને એમબીબીએસના કોર્સમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા સમયે ડિસએબિલિટી એસેસમેન્ટની પદ્ધતિઓ વિકસાવવામાં આવે અને આ અંગે એનએમસીને નિર્દેશ આપો.