જો તમે એક દિવસીય પિકનિક કે પ્રવાસનું આયોજન બનવતા હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. આ જગ્યામાં વન ડે પિકનિક હોય કે વન નાઇટ સ્ટે તમને મજા જ આવશે. આ સ્થળ ગુજરાતમાં જ આવેલુ છે. વિજયનગરનું પોલો ફોરેસ્ટ જેને પોળોના જંગલો તરીકે ઓળખવામાં આવે છે. વિજયનગર એટલે વનવાસીઓની ધબકતી સંસ્કૃતિ અને વનનું પ્રગાઢ નગર, આ એક આદિવાસી વિસ્તાર છે. આ પોળોનું જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
જયારે વરસાદની સિઝન હોય છે ત્યારે આ ફોરેસ્ટની મજા બમણી થઇ જાય છે. ત્યારે હરિયાળીથી ગાઢ જંગલ ગરમીના દિવસોમાં તમને ટાઢક આપે છે. શાળાના બાળકો અને કોલેજિયનો આ પ્રાકૃતિક સ્થળે મોટી સંખ્યામાં આવતા જોવા મળે છે. કારણકે, ઊબડખાબડ રસ્તાઓ વચ્ચે મહાલવાની મજા કંઈક અલગ જ હોય છે. આ જંગલની વચ્ચેથી હરણાવ નદી વહે છે તેના પર અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.
પોળોની મજા શિયાળામાં પણ ઓછી થતી નથી. આ પ્લેસ નેચર પ્રેમીઓને માટે બેસ્ટ પ્લેસ ગણી શકાય છે. તમે અહીં જાણે પ્રકૃતિના ખોળામાં બેઠા હોવ તેવો અનુભવ કરી શકો છો. વળી અહીં ડેમ પર 35 જેટલી વિવિધતા ધરાવતા પક્ષીઓ શિયાળામાં ડેમ પર જોવા મળે છે, જે પર્યટકો ને આકર્ષે છે. 450 થી વધારે ઔષધીય વનસ્પતિઓ અહીં આવેલી છે અને સાથે સાથે 275 જેટલી પક્ષીઓની જાતો ઉપલબ્ધ છે. અહીં 30 જેટલા સસ્તન પ્રાણીઓ અને 32 સરીસૃપો આવેલા છે.
અહીં આવેલા મંદિરો આશરે 15મી સદીમાં બનાવેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલો એક વખતે રાજસ્થાનનો ગેટ વે હતો. આ સ્થળ દુશ્મનો અને નાગરિકોથી છુપાઈને શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. પોલો શબ્દ પોળ પરથી આપવામાં આવ્યો છે. તેનો અર્થ મારવાડી ભાષા પ્રમાણે દ્વાર થાય છે.
પ્રવેશ માટે પોલો ફોરેસ્ટમાં કોઈ પરવાનગીની આવશ્યકતા પડતી નથી અથવા કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની પણ જરૂર નથી. ઇડર થઈને સીધા જ આ સ્થળ પર તમે તમારા કુટુંબ, મિત્રો અથવા બાળકો સાથે જઈ શકો છો અને આનંદ માંણી શકો છો. આભાપુરમાં રહેલા ગ્રામવાસીઓ અત્યંત નમ્ર છે.
પોલો ફોરેસ્ટ સુંદર ટેકરીઓથી ઘેરાયેલો છે અને ત્યાંથી હરણાવ નદી નીકળે છે અને નદી જંગલમાં ફેલાયેલી છે. હરણાવ ડેમ, જૈન મંદિર, પ્રાચીન શિવ મંદિર અને વારસા સ્થળની મુલાકાત તમે લઈ શકો છો. જો તમે એક દિવસ માટે ગયા હોય તો એક ગાઇડ પણ મેળવી શકો છો અને પોલો ફોરેસ્ટના પર્વતોમાં ટ્રેકિંગ પણ કરી શકો છો. અહી ટ્રેકિંગ કરવાના ઘણા રસ્તાઓ છે, આ રસ્તાઓ તમે ગાઇડની મદદથી શોધી શકો છો. અહી ગાઇડ 100થી 200 રૂપિયા લે છે.
અહી રાત્રી રોકાણ માટે મર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ છે. અહી રાત્રી રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ અને વધુ આર્થિક વિકલ્પ પોલો કેમ્પ સાઇટ પર રહેવાનું છે, તે ગુજરાત રાજ્યના જંગલ ખાતા દ્વારા સંચાલિત છે. પોલો કેમ્પ સાઇટમાં રહેવા માટે પોલો કેમ્પ સાઇટમાં રહેવા માટે હિંમતનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારા કેમ્પને અગાઉથી બુક કરાવું જરૂરી છે. તે લોકો રૂમની ઉપલબ્ધતાના આધારે તમારા બુકીગને પોલો કેમ્પસાઇટમાં કન્ફર્મ કરે છે.
પોલોમાં 3-4 ખાનગી હોટેલ પણ છે, જે 2500 થી 4000 પ્રતિ રાત જેટલી ઊંચી કિંમતે રૂમ આપે છે. પોલો ટેન્ટ સિટી, ફર્ન હોટલ, પોલો રિટ્રીટ રિસોર્ટ અને અંબિકા રિસોર્ટ માં તમે રોકાઇ શકો છો. આ ઉપરાંત આભાપુરમાં આવેલા પોલો રિટ્રીટ રિસોર્ટનું લોકેશન સારૂ છે. પોલો રિટ્રીટમાં સ્વિમિંગ પુલ, ડિલક્સ ટેન્ટ, ઓપન એર થિયેટર, ડિજે પાર્ટી, આઉટડોર ગેમ્સ અને રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓ પણ છે.
અહીં રાત્રે એકદમ ઠંડક થઇ જતી હોવાથી કેમ્પ ફાયર પણ કરવામાં આવે છે. ટેન્ટની પાછળ અહીં ગાઢ જંગલ છે, તેથી તમે જંગલમાં રહેતા હોવ તેવી ફિલિંગ આવે છે. અહીંના રેસ્ટોરન્ટમાં ગુજરાતી અને પંજાબી ડિશ પીરસવામાં આવે છે. ગુજરાતી ડિશમાં સેવ ટામેટા, રિંગણનો ઓળો, ગોળ, લસણિયા બટાકા અને રોટલા હોય છે. જયારે રૂમનું ભાડુ 2500થી 5500ની આસપાસ હોય છે. તમે અહીં એક રાત રોકાશો તો રિસોર્ટ તરફથી વહેલી સવારે તમને ટ્રેકિંગ કરાવવામાં આવે છે.
આ ટ્રેકિંગમાં તમને ગાઇડની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અહીં એક દિવસની પિકનીકમાં 800 રૂપિયા ચાર્જ થાય છે. આ પેકેજમાં સવારનું બ્રેકફાસ્ટ, બપોરે લંચ અને સાંજના ચા-નાસ્તાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનુભવી ગાઇડ દ્વારા ડેમ વિઝિટ, જંગલ ટ્રેકિંગ, રિવર વોકિંગ અને મંદિરની મુલાકાત કરાવાય છે. કેમ્પ સાઇટ પર વચ્ચે ક્રિકેટ, સ્વિમિંગ પુલ, વોલિબોલ જેવી રમત રમી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.