- સરથાણાથી ડ્રીમ સિટીનો કોરિડોર ડિસેમ્બર 2023 સુધીમાં શરૂ કરાશે
- માર્ચ 2025 સુધીમાં બંને કોરિડોર શરૂ કરવામાં આવશે
- વિવિધ સ્ટેજમાં 20 થી 80 ટકા જેટલું કામ પૂર્ણ થયું
સુરત શહેરમાં મેટ્રોની કામગીરીના કારણે છેલ્લાં 3 વરસથી સુરતીઓને મુશ્કેલીઓ થઈ રહી હતી ત્યારે હવે કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. વરસાદ પહેલાં સુરત મેટ્રોના કામમાં તેજી આવી છે. સુરત મેટ્રોના સૌથી મહત્વના ફેઝ-1નો જે 6.47 કિલોમીટરનો કાપોદ્રાથી ગાંધીબાગ સુધીનો અંડરગ્રાઉન્ડ રૂટ છે તેની 50 ટકા કામગીરી પૂર્ણ થવા આવી છે.
પ્રથમ ફેઝનું કામ ઝડપી થયું
અમદાવાદ બાદ લાંબા સમયથી સુરત મેટ્રો માટે રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે હવે અંડરગ્રાઉન્ડ રૂટથી લઈ ટનલ બનાવવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. શહેરમાં અંડરગ્રાઉન્ડ રૂટ માટે ચાર ટીબીએમ મશીનથી ટનલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. કુલ 11.2 કિલોમીટરની ટનલ રિંગ કાસ્ટિંગ કરવાની છે, જે પૈકી હાલ 6.02 કિલોમીટરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
નોંધનીય છેકે, સુરત મેટ્રોની કામગીરી વિવિઘ પેકેજમાં થઈ રહી છે. જેમાં પ્રથમ કોરિડોર ડ્રીમ સિટીથી સરથાણાના રૂટ પર પેકેજ સીએસ 01 કાદરશાની નાળથી ડ્રીમ સિટીનું 80 ટકા કામ થયું છે. પેકેજ સીએસ 02 કાપોદ્રા રેમ્પથી સુરત રેલવે સ્ટેશનનું 31.38 ટકા કામ પૂર્ણ થયું છે. તો પેકેજ સી.એસ.03 સુરત સ્ટેશનથી ચોકબજાર રેમ્પ 24.57 ટકા કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે ડ્રીમ સિટી ડેપોની કામગીરી 40 ટકા પૂર્ણ ચૂકી છે.
4000 થી વધુ કર્મચારી અને એન્જિનિયરની ટીમ કામે લાગી
હાલમાં 3500થી વધુ કર્મચારી અને 700થી વધુ એન્જિનિયરની ફોર્સ કાર્યરત છે. આ ઉપરાંત 700થી વધુ એન્જિનિયર અને એકસપર્ટની ટીમ જોડાઇ છે. જો સામગ્રીની વાત કરવામાં આવે તો 4 ટીબીએમ મશીન, 15 ફૂલ કેપેસિટીના કોંક્રીટ બેચીંગ પ્લાન્ટસ, 30 પાઇલિંગ રીંગ મશીન, 2 લોડિંગ ગર્ડર અને 150 નાની મોટી મશીનરીઓ જેમ કે, જેસીબી, હાઈડ્રા, ક્રેન અને અન્ય મશીનરીઓ થકી કામગીરી ફુલ ફ્લેજમાં ચાલી રહી છે.
સુરત મેટ્રો રેલ માટે બે સ્થળે ડેપો બનશે જે પૈકી એક ડ્રીમસિટી ખાતે અને બીજો ડેપો ભેંસાણ ખાતે બનશે. જેમાં ડ્રીમસિટી ડેપોની કામગીરી 50 ટકા પૂર્ણ થઈ હોવાનું જાણવામાં આવ્યું છે. જ્યારે ભેંસાણ ડેપોની 5 ટકા કામગીરી થઈ ચુકી છે. ઉલ્લેખનિય છે કે મેટ્રોનો બીજો ફેઝ ભેંસાણ થી સરોલી સુધીનો છે. આવનારા 4 માસમાં વધુ 8 લોન્ચર બંને કોરીડોર માટે શરૂ કરાશે આ માટે કામગીરી હજી ઝડપી થશે.