- જેમાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ છે
- SSAની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ગેરરીતિ થયાની વિગતો સામે આવી
- ધો.1માં અભ્યાસ પૂર્ણ કર્યો છતાં આ વખતે RTEમાં પ્રવેશ લેતા કાર્યવાહી
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઈ) અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને 25 ટકા રિઝર્વ બેઠક પર પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલુ છે. જેમાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ છે. જેમાં નામ, સરનામા સહિતમાં ફેરફાર કરી કેટલાક બાળકોએ ખોટી રીતે પ્રવેશ મેળવ્યાં હોવાની વિગતો SSAની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં સામે આવી હતી. ગત વર્ષે ધો.1માં પ્રવેશ મેળવી લીધો હોય તેવા બાળકોએ પણ આરટીઈમાં પ્રવેશ મેળવ્યાની વિગતો સામે આવતાં 621 બાળકોનો પ્રવેશ રદ કરવામાં આવ્યો હોવાનું સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બુધવારના રોજ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યુ હતુ કે, RTE એકટ હેઠળ પોતાના બાળકનો પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે રાજ્યના કેટલાક વાલીઓ દ્વારા બાળકના નામ અને સરનામાં વગેરેમાં સામાન્ય ફેરફર કરી ઓનલાઈન ફેર્મ ભરી ગેરરીતી આચરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતુ.આવા પ્રવેશ ફળવાયેલ બાળકોની SSA સંચાલિત ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં વિગતો મેળવી જિલ્લા કક્ષાએ પુનઃચકાસી તેમનો પ્રવેશ રદ કરવા રાજ્ય કક્ષાએથી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ગત વર્ષે ધો.1માં અભ્યાસ કર્યો હોવા છતા આ વર્ષે RTE હેઠળ વાલીઓ દ્વારા ઓનલાઈન ફેર્મ ભરી પ્રવેશ મેળવ્યાની બાબત ધ્યાનમાં આવી હતી, જે RTEની જોગવાઈઓની વિરુદ્ધ છે. વાલી દ્વારા RTE માટે ઓનલાઈન ફેર્મ ભરતા વાલી પાસેથી બાંહેધરી લેવામાં આવે છે કે, મારૂ બાળક શૈક્ષણિક વર્ષ 2022-23માં ધો-1/ધો-2માં કોઇપણ શાળામાં અભ્યાસ કરતું નથી, જેની હું મારી જાણ મુજબ ખાતરી આપું છું. જો માહિતી ખોટી ઠરશે તો RTE હેઠળનો પ્રવેશ રદ થવા પાત્ર રહેશે.