સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં 9 જગ્યાએ ઘરફોડ ચોરી કરનાર રીઢો ચોર 17 વર્ષ બાદ ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે છેલ્લા 17 વર્ષથી ફરાર મધ્યપ્રદેશના જાબુવાના રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી ઈચ્છાપોર પોલીસ મથકના 9 ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હતો અને તે પોલીસથી બચવા ભાગતો ફરતો હતો.
કિશોરાવસ્થામાં કરેલ ગુનાનું પરિણામ યુવાનીમાં ભોગવવું પડ્યું
કહેવત છે ને કે, કરેલા કર્મ અહીં જ ભોગવવા પડે છે અને હિન્દી ફિલ્મનો ખૂબ જ લોકપ્રિય અને ફેમસ ડાયલોગ છે કે, ‘કાનૂન કે હાથ લંબે હોતે હૈ’ તે આજે સુરતમાં ફરી એક વખત પોલીસે સાબિત કરી આપ્યું છે. જવાનીમાં આચરેલ ગુનાનું પરિણામ વૃદ્ધાવસ્થામાં પણ ભોગવવું જ પડે છે તો અહી કિશોરાવસ્થામાં કરેલ ગુનાનું પરિણામ યુવાનીમાં ભોગવવું પડ્યું છે. સુરતના ઈચ્છાપુરમાં નવ જેટલા ઘરોમાં ચોરી કરી ફરાર થઈ ગયેલા રીઢા ચોરને 17 વર્ષ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી નિશ્ચિત થઈ ગયો હતો કે, હવે પોલીસ મને નહિ શોધી શકે પંરતુ, 17 વર્ષ બાદ પણ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
17 વર્ષ બાદ આરોપી ઝડપાયો
સુરતના ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં વર્ષ 2005 થી 2006 સુધીમાં અલગ-અલગ 9 જગ્યાએ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો અને આ મામલે ઈચ્છાપોર પોલીસ મથકમાં ગુના પણ નોંધાયા હતા. આ તમામ ગુના એક જ આરોપી દ્વારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ, તેના સુધી પોલીસ પહોંચી શકી ન હતી. વર્ષ 2005-06ના ગુનાને ઉકેલી કાઢવા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડયો છે. 17 વર્ષથી ફરાર મધ્યપ્રદેશના જાબુવાના રીઢા ઘરફોડ ચોરને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી વિશે તમામ માહિતી એકત્ર કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને સુરતમાંથી આરોપી જાનીયાભાઈ પૂજાભાઈ ઉર્ફે પુંજીયા ડીંડોરને ઝડપી પાડ્યો હતો.
બંધ ઘરના તાળા તોડી ચોરીઓ કરતો હતો
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીએ તેના અન્ય સાથીમિત્રો દોલતસિહ ઉર્ફે દુલુ મેડા, ટોલીયો ધનજીભાઈ ડીંડોર તથા દિનેશ સાથે મળીને વર્ષ 2005થી વર્ષ 2006 દરમિયાન સુરત શહેરના ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં આવતી અલગ-અલગ સોસાયટીમાં રાત્રિના સમયે બંધ મકાનના દરવાજાના તાળા તોડી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના, ઘરવખરીનો સમાન વગેરેની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
વધુમાં આરોપી ઈચ્છાપોર પોલીસ મથકના 9 ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હોય અને તે નાસતો ફરતો હોય તેની સામે નામદાર કોર્ટમાંથી Crpc કલમ-70 મુજબનું વોરંટ પણ ઈશ્યુ થયું હતું. વધુમાં આરોપી હાલમાં બારડોલીના ખોજપારડી ગામ ખાતે રહેતો હતો અને મજુરીકામ કરતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી તેનો કબ્જો ઈચ્છાપોર પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.