સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. સુરત શહેરના બ્રિજ ઉપર ઘણા યુવકો ઓવરસ્પીડથી ગાડી ચલાવી સ્ટંટ કરતા સમયાંતરે જોવા મળતા હોય છે. ત્યારે આજે સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં યુવક બ્રિજની પાળી ઉપર ચાલીને જોખમી સ્ટંટ કરતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટનાને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ યુવક કોણ હતો તેની કોઈ માહિતી મળી રહી નથી. પોલીસ પાસે આ વીડિયો પહોંચતા યુવકની શોધખોણ હાથ ધરી છે.
જીવના જોખમે યુવકનો બ્રિજની પાળી પર સ્ટંટ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવક બ્રિજ ઉપર સ્ટંટ કરતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. સુરતના કાપોદ્રા વિસ્તારનો આ વીડિયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક યુવક બ્રિજની પાણી ઉપર બિંદાસ રીતે ચાલી રહ્યો છે, જાણે તેને મોતનો પણ ડર ન હોય. વીડિયો જોતા યુવક બ્રિજની પાળી ઉપર બેખોફ થઈને ચાલી રહ્યો છે. બ્રિજની ઊંચાઈ જોતા જો આ યુવક બ્રિજની નીચે પટકાય તો તેનું મોત પણ થઈ શકે છે.
જીવના જોખમે એક ફૂટની પાળી પર યુવકનો સ્ટંટ.
લોકો જોવા માટે એકત્રિત થતા ટ્રાફિકજામ
સવારના સમયે કાપોદ્રા વિસ્તાર અતિ વ્યસ્ત હોય છે. આ સમય દરમિયાન લોકો હીરાની ફેક્ટરીએ તેમજ કામકાજ માટે જવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. વાહનચાલકોની પણ સંખ્યા આ સમયે ખૂબ જ વધુ પ્રમાણમાં રસ્તા ઉપર દેખાય છે. એકાએક જ આ યુવક કાપોદ્રા વિસ્તારના બ્રિજની પાળી ઉપર ચાલતો દેખાતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો થોભીને આ દિલધડક દ્રશ્યો જોઈ રહ્યા હતા. જેને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.
રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા.
યુવક કોણ છે? તે અંગે કોઈ માહિતી નથી
વાrરલ થયેલા આ વીડિયોમાં બ્રિજની પાળી ઉપર ચાલનારો યુવક કોણ છે? તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ જે રીતે તે બ્રિજની પાળી ઉપર ચાલી રહ્યો છે તેને કારણે તે ખૂબ વાઈરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ ફરતો થયો છે. યુવકે પોતાના જીવના જોખમે આ પ્રકારે સ્ટંટ કરવો ખરેખર તેના માટે પણ ખૂબ મોટું નુકસાન કરી શકે છે. યુવક કોઈપણ ભય વગર પોતાના મોતને પડકાર ફેકતો હોય તે રીતે ચાલતા લોકોમાં પણ ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું.
પોલીસે યુવકની શોધખોણ હાથ ધરી.
અમે તપાસ કરવા ટીમ મોકલી છે: પીઆઇ
આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પી. આઈ. એમ.બી. વાછાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનો વીડિયો અમારી પાસે પણ આવ્યો હતો. જેને લઈને અમે ટીમ ઘટનાસ્થળ ઉપર મોકલી હતી. ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ પ્રકારની ઘટના બની છે કે કેમ? નજીકની કોલેજના પ્રિન્સિપાલને પણ આ વીડિયો મોકલી દેવામાં આવ્યો છે. કોલેજનો સ્ટુડન્ટ છે કે અન્ય કોઈ યુવક છે, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.