- ડીપીનો દરવાજો ખોલતાં જ સ્પાર્ક થતાં આગ લાગી
- ઈજાગ્રસ્તોને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
- ઇલેક્ટ્રીક વાયરમાં સ્પાર્ક થયો હતો
AMC સંચાલિત SVP હોસ્પિટલના પાવર સબ સ્ટેશનમાં ડીપીમાં સ્પાર્ક થતાં થયેલા બ્લાસ્ટને કારણે આગ લાગતાં ત્રણ કર્મચારીઓને દાઝી જવાથી ઈજા થઈ હતી. આ ઘટનામાં કોન્ટ્રાક્ટના ત્રણ કર્મચારીઓ મહંમદ ઇસતિયાક કાઝી, નિઝામુદ્દીન સૈયદ અને વિરેન્દ્રસિંહ ચૌહાણ દાઝી ગયેલા ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈલેક્ટ્રીક પાવરના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પાવરમાં કોઈ તકલીફ્ સર્જાતા સબ સ્ટેશનમાં ચેકિંગ કરવા માટે આવ્યા હતા અને તેમણે સબ સ્ટેશનમાં આવીને ડીપીનો દરવાજો ખોલતાં જ અચાનક જ સ્પાર્ક થયો હતો અને તેના કારણે આગની ઝાળ સીધી કર્મચારીઓ ઉપર થઈ હતી અને તેમને દાઝી જવાને કારણે 5થી 25 ટકા બર્ન્સ ઈન્જરી થઈ હોવાનું જાણવા મળે છે. આ ત્રણેય કર્મચારીઓએ બૂમાબૂમ કરતા સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, SVP હોસ્પિટલમાં ઇલેક્ટ્રીક પાવર સપ્લાય માટે ગર્લ્સ હોસ્ટેલની પાછળ પાવર સબ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. બુધવારે કોઈક જગ્યાએ પાવરની તકલીફ્ સર્જાઇ હતી. કોન્ટ્રાક્ટના ત્રણ કર્મચારીઓ સબ સ્ટેશનમાં ગયા હતા અને પાવર સપ્લાયની તપાસ કરવા માટે તેઓએ ઇલેક્ટ્રીક પેનલના એક દરવાજાને ખોલતા જ અચાનક સ્પાર્ક થયો હતો. સ્પાર્ક થતા જ અંદર ભડકો થયો હતો અને ત્રણે કર્મચારી ઉપર આગની ઝાળ લાગી હતી જેના કારણે તેઓ હાથના ભાગે દાઝી ગયા હતા. કોઈ કારણોસર ઇલેક્ટ્રીક વાયરમાં સ્પાર્ક થયો હતો, જેના કારણે આ ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે.