- કરોડોના ખર્ચે નવી બનાવાયેલી હોસ્પિટલમાં છત તૂટી પડવાની બાબત ગંભીર
- SVPના ડાયાલિસીસ વોર્ડના પેસેજમાં અચાનક POPની પાંચ શીટ તૂટી પડી
- SVP હોસ્પિટલની B-2 વોર્ડની POPની છત તૂટી પડતાં દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા
AMC સંચાલિત SVP હોસ્પિટલમાં 12માં માળના ડાયાલિસીસ વોર્ડમાં છતની POP શીટ ધરાશાયી થઈ હતી. સદનસીબે વોર્ડમાં કોઈપણ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી. AMC દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી SVP હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાયેલ મટિરિયલ્સ નબળું હોવાનું માનવામાં આવે છે. SVP હોસ્પિટલ તૈયાર કરવામાં આવ્યાને પાંચ કે છ વર્ષ થયા હોવા છતાં આ હોસ્પિટલના 12મા માળે આવેલ ડાયાલિસિસ વોર્ડની POPની છત અચાનક તૂટી પડી હોવાની બાબત ખૂબ જ ગંભીર ગણવામાં આવે છે. જો SVP હોસ્પિટલના આ વોર્ડમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હોત કે સ્ટાફ હોત તે વેળા POPની છત ધરાશાયી થઈ હોત તો જાનહાનિ કે ઈજા થવાની સંપૂર્ણ શક્યતા હતી. જોકે, સદનસીબે રવિવારની રજા હોવાને કારણે તેમજ દર્દીઓ ન હોવાને કારણે કોઈ જાનહાનિ કે ઈજા નહીં થવાને કારણે દુર્ઘટના ટળી હતી.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ SVPમાં POPની છત તૂટી પડી હતી તેમજ ઓપરેશન થિયેટરમાં પણ પાણી પડયું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, રવિવારે હોસ્પિટલમાં ડાયાલિસીસ વોર્ડમાં RCCની છતમાં વચ્ચે લાગેલી પીઓપીની શીટ લગાવેલી 5 જેટલી શીટ તૂટી પડી હતી. જો કે જ્યાં દર્દીઓના બેડ છે ત્યાં શીટ નથી પડી. ચાલવાનું પેસેજમાં શીટ તૂટી હતી. SVP હોસ્પિટલની B-2 વોર્ડની POPની છત તૂટી પડતાં દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા હતા.