સુરત જિલ્લામાં આવેલા કામરેજ ટોલનાકા ખાતે એકાએક લાકડા ભરેલા ટ્રકમાં આગ લાગી હતી. જેના કારણે ટ્રાફિકજમા સર્જાયો હતો. ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘટનામાં જાનહાનિ થઈ નથી.
આગ લાગતા ડ્રાઇવર ટ્રકની બહાર નીકળી ગયો
સુરત જિલ્લામાં આવેલા કામરેજ ટોલનાકા ખાતે રાત્રે એક લાકડા ભરેલી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રકની કેબિનમાં આગ લાગતા ડ્રાઇવર ટ્રકની બહાર નીકળી ગયો હતો. ટ્રકમાં લાકડા ભર્યા હોવાથી થોડી જ ક્ષણોમાં આખા ટ્રકમાં આગ પ્રસરી ગઈ હતી. ટ્રકમાં આગ લાગતા ટોલનાકા પર અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર વિભાગે ટ્રકની આગ પર કાબૂ મેળવ્યો
ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવેલી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. થોડી મિનિટોમાં ફાયર વિભાગે ટ્રકની આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવે તે પહેલા ટ્રકની કેબિન અને થોડો લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા
ટ્રક બેંગ્લોરથી અમદાવાદ જઈ રહ્યો હતો. ત્યારે કામરેજ ટોલનાકા ખાતે થોડીવાર માટે ઉભો રહ્યો હતો. દરમિયાન આગની ઘટનાના પગલે ભયનો માહોલ છવાયો હતો. ફાયર વિભાગના પ્રાથમિક તારણ અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતાઓ રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.