- 500ની નવી નોટોનો ફ્લો ન આવતા બેંકો ચિતિંત
- ભીડને પહોંચી વળવા અલાયદા કાઉન્ટર
- એક વ્યક્તિ જુદી-જુદી બેંકમાં નોટ બદલે એ પ્રવૃતિ રોકવા સક્રિય
આજથી રૂ. બે હજારની નોટ મામલે આરબીઆઇની ગાઈડલાઇન બાદ ખાતેદારો રૂપિયા 20 હજાર સુધીની રકમની બે હજારની નોટ જે તે બેંક પર જઇને બદલી શકશે. તે પહેલાં જ બે હજારની નોટો તિજોરીમાંથી નિકળવા લાગી છે. જેમાં રાજ્યની ઔદ્યોગિક નગરી એવા સુરતમાં બે દિવસમાં જ રૂ.450 કરોડ બેંકમાં જમા થયા હોવાની વિગત સામે આવી રહી છે. તેમજ 500ની નવી નોટોનો ફ્લો ન આવતા બેંકો પણ ચિંતામાં મુકાઈ રહી છે.
નેશનલ બેંકો સામે કો.ઓપરેટિવ બેંકોમાં ભીડ
સુરતમાં ઉદ્યોગકારો માટે કો.ઓપરેટિવ, નેશનલ અને પ્રાઇવેટ બેંકોમાં વધારાની ભીડને પહોંચી વળવા માટે અલાયદા કાઉન્ટરની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જો તે કાળા નાણાં રૂપે હશે તો તેને બીજાના એકાઉન્ટમાં જમા કરીને તેને વ્હાઇટ કરવાનું કારસ્તાન ન ચાલુ થઇ જાય એની પર પણ નજર રાખવામા આવી રહી છે. જે લોકો નોટ બદલવાના છે તેના ડેટા પર પણ આઇટી નજર રાખી શકે છે.
આઈટી વિભાગની પણ નજર રહેશે
એક તરફ જ્યાં SBI પુરાવા લેવાનું નથી ત્યાં કો.ઓપરેટિવ બેંકની બ્રાન્ચોમાં એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રોજના 50 ટોકન રાખ્યા છે. તેમજ બ્રાન્ચોમાં એવી સિસ્ટમ ઊભી કરાઈ છે કે કોઈ વ્યક્તિ દરેક બ્રાન્ચ પર જઇને નોટ બદલે તો પકડાઈ જશે.આઇટીની નજર પણ સમગ્ર વ્યવસ્થા પર છે.
નોંધનીય છેકે, ખાતેદાર ગમે તેટલા રૂપિયાની નોટ જમા કરી શકે છે. નોટ બદલવાની જગ્યાએ લોકો જમા કરીને તેને પોતાની જરૂરિયાત અનુસાર એટીએમથી પણ ઊપાડી શકે છે. બદલતી વખતે 20 હજાર જ મળી શકશે. પરંતુ જમા કરાયા બાદ તેને ઓનલાઇન પેમેન્ટથી વાપરી શકાય છે અને એટીએમથી કાઢી પણ શકાય છે.
500ની નવી નોટોનો ફ્લો ઘટ્યો
બેકિંગ સૂત્રો કહે છે કે, બે હજારની નોટ જમા થયા બાદ તેને બદલામાં આરબીઆઇથી રૂપિયા 500 કે તેનાથી ઓછા દરની નોટનો ફ્લો આવવો પણ જરૂરી છે. બેંકો રોજ આરબીઆઇમાં રૂપિયા મોકલી શકશે નહીં. ઉપરાંત અનેક બેંકોમાં રૂપિયા રાખવા માટે પણ જગ્યા નથી એટલે બે હજારની વધુ નોટો આવી તો ક્યાં રાખવી એ પણ એક પ્રશ્ન ઊભો થશે.