- લાઇસન્સ વિના ISI માર્કો લગાવી વેપલો થતો હતો
- પાણીના પાઉચ બંધ થતાં ઠેર-ઠેર કંપનીઓ ખુલી ગઈ
લાઇસન્સ વગર આઈએસઆઈ માર્કાનો દુરઉપયોગ કરી પાણીની બોટલનું વેચાણ કરતી મોટા વરાછાની વાલકરામ કંપની પર બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ)એ દરોડો પાડીને કંપનીને સીલ કરી હતી. પાણીની બોટલોમાં વધુ નફો હોવાથી શહેરમાં છેલ્લા 2 વર્ષમાં બિલાડીના ટોપની જેમ કંપનીઓ ખુલી ગઈ છે, જેમાં અમુક કંપનીઓ સરકારના નિયમોનું ઉલ્લઘંન કરીને સામાન્ય પાણી બોટલોમાં ભરીને વેચી રહી છે. આવી જ એક કંપની પર બીઆઈએસએ દરોડો પાડીને કંપનીને સીલ કરી છે.
બીઆઈએસના અધિકારીઓને માહિતી મળી હતી કે, મોટા વરાછા બીઆરટીએસ બસ સ્ટેશન, વીઆઈપી સર્કલ પાસે વાલકરામ વોટર સપ્લાય નામક કંપની ભારત સરકારનું માન્ય લાઇસન્સ લીધા વગર પાણીનું વેચાણ કરી રહી છે, જેથી અધિકારીઓએ દરોડા પાડ્યા હતા, જેમાં જાણ થઈ હતી કે, આઈએસઆઈ માર્કાનો દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે.પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન થાય તે માટે પાણીના પાઉંચ પર પ્રતિબંધ નાંખવામાં આવ્યો છે. જેને લઈને બજારમાં પાણીની બોટલો વેચાતી થઈ ગઈ છે. પાણીનું પાઉચ 1 રૂપિયામાં મળતું હતું જ્યારે હવે પાણીની બોટલો 4 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીમાં અલગ અલગ કંપનીઓની મળી રહી છે.