બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની બેક ટુ બેક ફિલ્મ ફ્લોપ જઈ રહી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે પોતાની ચાર ફ્લોપ ફિલ્મ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે આવું પહેલીવાર થયું નથી. તેની કરિયરમાં એક સમય એવો આવ્યો હતો કે સતત 15 ફિલ્મ ફ્લોપ ગઈ હતી. ત્યારબાદ એક સાથે એની આઠ ફિલ્મ ફ્લોપ રહી હતી.
અક્ષયે ફ્લોપ ફિલ્મ અંગે વાત કરી
અક્ષયે કહ્યું હતું, ‘મારી ઘણી ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નથી, તેમાં કોઈની ભૂલ નથી અને મારી જ ભૂલ છે, કારણ કે દર્શકો બદલાયા છે અને હવે દર્શકો ફિલ્મમાં કંઈક નવું જોવાનું પસંદ કરે છે. આ જ કારણે આપણે બદલવાની જરૂર છે અને હું તે પ્રયાસ કરી રહ્યો છું.’
‘ફિલ્મ ફ્લોપ જતાં કોઈને દોષ આપવો જોઈએ નહીં’
વધુમાં એક્ટરે કહ્યું હતું, ‘જ્યારે તમારી ફિલ્મ સતત ફ્લોપ જતી હોય તો તે તમારા માટે અલાર્મ હોય છે. હું પ્રયાસ કરું છું. આ માટે આપણે દર્શકો કે અન્ય કોઈને દોષ આપવો જોઈએ નહીં. આ 100% મારી ભૂલ છે.’
15 ફિલ્મ ફ્લોપ થયા બાદ અક્ષયે કેનેડાની નાગરિતા માટે અરજી કરી હતી
અક્ષયે 2019માં કહ્યું હતું કે એક સમય હતો જ્યારે તેની બેક ટુ બેક 15 ફિલ્મ ફ્લોપ ગઈ હતી. તેને ખબર નહોતી પડતી કે તેણે શું કરવું જોઈએ. ત્યારે કેનેડામાં રહેતા તેના નિકટના ફ્રેન્ડે ત્યાં આવીને કામ કરવાનું કહ્યું હતું. તેણે કેનેડાના પાસપોર્ટ માટે અરજી કરી હતી. તેને ભારતમાં એવું લાગ્યું કે તેની કરિયર પૂરી થઈ ગઈ છે અને અહીંયા કામ મળશે નહીં. જોકે, તેની 16મી ફિલ્મ સફળ થઈ અને પછી તેણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. આ સમય દરમિયાન તેને કેનેડાની નાગરિતા પણ મળી ગઈ હતી. જોકે, તેને ક્યારેય પાસપોર્ટ બદલવાનો વિચાર આવ્યો નહોતો.
ટૂંક સમયમાં ઇન્ડિયન પાસપોર્ટ આવશે
અક્ષયે વધુમાં કહ્યું હતું કે તેણે 2019માં પાસપોર્ટ માટે અરજી કરી હતી. ત્યારબાદ કોરોના આવી ગયો. બે-અઢી વર્ષ સુધી બધુ બંધ રહ્યું હતું. હવે તેનો રિનાઉન્સનો લેટર આવી ગયો છે અને ટૂંક સમયમાં તેનો પાસપોર્ટ પણ આવશે.
અક્ષયના અપકમિંગ પ્રોજેક્ટ્સ
અક્ષયની લેટેસ્ટ રિલીઝ ફિલ્મ ‘સેલ્ફી’ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી. આ ઉપરાંત તે હવે ‘બડે મિયાં છોટે મિયાં’, ‘ઓહ માય ગોડ 2’, ‘હેરા ફેરી 3’માં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.