- 7.85 લાખની બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી
- ₹500 ના દરની 1570 બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી
- નોટો ભારત બહાર એટલે કે પાકિસ્તાન થી આવી હોવાનો ખુલાસો
જો તમારી પાસે 2000 ની ચલણી નોટો છે અને તમે તેને બદલવા માટે જો તમે ખોટો રસ્તો અપનાવો છો, તો ચેતી જવાની જરૂર છે. કારણ કે અસલી નોટોની સામે તમને ₹500 ના દરની નકલી નોટો આપવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચે આવા જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.. જેની પાસેથી 7.85 લાખની બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી છે. જોકે આ ગુનાનો માસ્ટર માઈન્ડ ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે.
સમગ્ર ઘટના અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા ત્રણ આરોપી, જેમના નામ મોહન ગવંડર, દિનેશ ઉર્ફે લાલો રાજપુત અને રઘુનાથ પિલ્લઈ છે. જેમની ધરપકડ શહેરના નરોડા અને હાટકેશ્વર વિસ્તારમાંથી કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ₹500 ના દરની 1570 બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી છે.
મહત્વનુ છે કે આરોપીઓ આ બનાવટી નોટો 2000 રૂપિયાની અસલી ચલણી નોટો મેળવી તેની સામે નકલી નોટો આપવાના હતા. જોકે આરોપીઓ સફળ થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ છે તેમને ઝડપી લીધા છે. સાથે જ ડુપ્લીકેટ નોટો આરોપીઓ સુધી પહોંચાડનાર અને નોટ બનાવનાર પોંડિચેરીનો વિકેશ ઉર્ફે વિકી વનિયર ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓની પૂછપરછ માટે હકીકત પણ સામે આવી કે, સામાન્ય રીતે 2000ની ચલણી નોટો બદલનાર વ્યક્તિ જો છેતરપિંડીનો ભોગ બને તો તે પોલીસ ફરિયાદ નહીં કરે કારણ કે તેમની પાસે રહેલી 2000 ના દરની નોટો બ્લેક મની હશે અને તેની જાણ પોલીસને નહીં કરે. તેથી આ કાવતરૂ રચવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ તપાસમા સામે આવ્યુ કે બનાવટી નોટો ભારત બહાર એટલે કે પાકિસ્તાન થી આવી હોવાનો ખુલાસો થયો છે. 500 ની દરની નકલી નોટોની તપાસ કરતા FSL અધિકારીએ હાઈ ક્વોલિટી નોટો હોવાનુ સામે આવ્યુ છે. સાથે જ ઝડપાયેલા આરોપીના ગુનાઈત ઈતિહાસ પણ સામે આવ્યું છે.