- ફતેવાડી કેનાલ પાસે ભુવામાં કાર ખાબકી
- જરા વરસાદમાં એરપોર્ટમાં પાણી ભરાયા
- સામાન્ય વરસાદે AMC પોલ ખોલી નાખી
શુક્રવારે સાંજે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પોલ ખોલી નાખી હતી. થોડીવાર પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરની ફતેવાડી કેનાલ પાસે RCC રોડ પર ભૂવો પડતાં તેની અંદર એક કાર ખાબકી હતી.
આર.સી.સી.રોડ પર ભૂવો પડ્યો
બનાવની વિગતો એવી છે કે, વરસાદના કારણે ફતેવાડી કેનાલ પાસે આર.સી.સી.રોડ પર ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં એક નેનો કાર પડી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને મોટી ઇજા થઈ ન હતી. આખે આખી કાર ભૂવામાં ગરક થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ થયું પાણી પાણી
સામાન્ય વરસાદમાં જ અમદાવાદ એરપોર્ટ પાણી પાણી થયું હતું. સામાન્ય વરસાદમાં પણ એરપોર્ટમાં પાણી ભરાઈ ગયા હતા. એરપોર્ટમાં પાણી ભરાતા મુસાફરોમાં નારાજગી ફેલાઈ હતી. એરપોર્ટની અંદર વરસાદનું પાણી આવી જતાં મુસાફરોને આવનજાવનમાં મુશ્કેલી પડી હતી.