- મ્યુનિ. તંત્રે ચાર્જીંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડયા હતા
- એપ્લિકેશનથી ચાર્જીંગનો સ્લોટ બુક કરી શકાય તેવી વ્યવસ્થા થશે
- ઈલેક્ટ્રિક વાહન રસ્તા પર વધુ ધમધમતા થાય તેવી નેમ ધરાવે
અમદાવાદ શહેરમાં જુલાઈના અંત સુધીમાં 12 ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જીંગ સ્ટેશનો શરૂ થશે, હાઈ પાવર ઈલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન પર 30થી 40 મિનિટમાં વાહનનું સંપૂર્ણ ચાર્જીંગ થશે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ 24 સ્થળો પર ચાર્જીંગ સ્ટેશનો માટે ટેન્ડર બહાર પાડયા હતા. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલ હેઠળ આ કામગીરીને લીલી ઝંડી આપવામાં આવી હતી.
એક અંદાજ પ્રમાણે અત્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં 22 હજાર ઈલેક્ટ્રિક ટુ વ્હિલર, 1200 ફોર વ્હિલર અને 5 હજાર જેટલા થ્રી વ્હિલરનું વેચાણ થયું છે. ચાર્જીંગ સ્ટેશનો પર લોકોને વધુ રાહ જોવી ન પડે તે માટે એપ્લિકેશન મારફત સ્લોટ બુક કરવાની સુવિધા પણ પૂરી પડાશે, અત્યારે ઈવી ચાર્જીંગ સ્ટેશનો શરૂ કરનારા સ્થાનોમાં ઈન્કમ ટેક્સ, કાંકરિયા, સિંધુ ભવન, પ્રહલાદ નગર, મોટેરા, નરોડા, બાપુનગર, ચાંદખેડા અને નિકોલ સામેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સૂત્રો કહે છે કે, કાર્બન ઉત્સર્જન ઘટે અને પર્યાવરણને અનુકુળ પરિવહન તરફ આગળ વધાય તે માટેનું લક્ષ્ય ધરાવીએ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંને ઈલેક્ટ્રિક વાહન રસ્તા પર વધુ ધમધમતા થાય તેવી નેમ ધરાવે છે.