- સુરતની ગાંધી સરકારી કોલેજના અવેરનેસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
- 15 ટકા વિદ્યાર્થી આગળ અભ્યાસ કરે છે
- નોકરી ન મળવાની વાતો વચ્ચે માત્ર 40 ટકા વિદ્યાર્થીઓને જ પ્લેસમેન્ટમાં રસ
ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યા બાદ હવે ઇજનેરી, તબીબી વિદ્યાશાખા સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશને લઇને વિદ્યાર્થી, વાલીઓ વિચારમંથન કરી રહ્યા છે. દરમિયાન ઇજનેરી કોલેજોમાં નવા સત્રના આરંભ પૂર્વે સુરતની ગાંધી સરકારી કોલેજમાં તૈયાર થયેલા અવેરનેસ રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જે પ્રમાણે ઇજનેરીમાં 10 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ અધૂરો છોડી દે છે. 15 ટકા વિદ્યાર્થી જ આગળ અભ્યાસ કરે છે. જ્યારે ઇજનેરીના અભ્યાસ બાદ નોકરી ન મળવાની વાતો વચ્ચે માત્ર 40 ટકા વિદ્યાર્થીઓને જ પ્લેસમેન્ટમાં રસ હોવાની કડવી વાસ્તવિકતા નોંધાઇ છે.
સુરતની ડો. એસ. એન્ડ એસ.એસ. ગાંધી ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં હાલમાં નવા સત્ર પહેલા વિદ્યાર્થી, વાલી, શાળાના શિક્ષકો, આચાર્યો, શિક્ષણ જગતને ઇજનેરી અભ્યાસક્રમનો ચિતાર મળે, વિવિધ બ્રાન્ચની માહિતી મળે અને પ્લેસમેન્ટ સિનેરિયોની વિગતો મળે એ માટે રસપ્રદ રિપોર્ટ તૈયાર કરાયો છે. અવેરનેસ રિપોર્ટમાં વિવિધ વિદ્યાશાખાની બેઠકો, તેમાં રહેતી તકોની વિગતો અપાઇ છે. જોકે, તે સાથે જ રજૂ થયેલા પ્લેસમેન્ટ સિનેરિયોમાં ચોંકાવનારી વિગતો નોંધવામાં આવી છે. જે મુજબ, ઇજનેરીમાં પહેલા જેવી તકો મળતી નથી, પ્લેસમેન્ટ થતું નથી અને નોકરી મળતી નથી એવું વારંવાર સાંભળવા મળે છે. જોકે, વાસ્તવિકતા કાંઇ ઔર જ છે. 10 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ અધૂરો છોડી દે છે. 10થી 15 ટકા વિદ્યાર્થીઓ આગળનો એટલે કે વિદેશ અભ્યાસ કે પછી માસ્ટર્સનો અભ્યાસ કરે છે. 15થી 20 ટકા વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટમાં ભાગ લેતા નથી. 15થી 20 ટકા ફેમિલી બિઝનેસ કરે છે. જ્યારે 40થી 50 ટકા વિદ્યાર્થીઓ જ પ્લેસમેન્ટમાં રસ ધરાવે છે.
પ્લેસમેન્ટમાં રસ ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી
ગાંધી કોલેજમાં થયેલા પ્લેસમેન્ટના આંકડા જોઇએ તો, 2017-18માં 119 વિદ્યાર્થી, 2018-19માં 93, 2019-20માં 74, 2020-21માં 62, 2021-22માં 79 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું હતું, જ્યારે વર્ષ પ્રમાણે અનુક્રમે 56, 79, 52, 30 અને 8 વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવાનું પસંદ કર્યુ હતું. વીતેલા પાંચ વર્ષની આ વિગતો અને આંકડાને જોતાં પ્લેસમેન્ટની ટકાવારી 26.36 ટકાથી 51.16 ટકા વચ્ચે નોંધાઇ છે. એટલે કે 40થી 50 ટકા જેટલા વિદ્યાર્થીઓને જ પ્લેસમેન્ટમાં રસ દાખવ્યો હતો.