- ગુજરાતમાં વર્ષ 2022માં અકસ્માતમાં રોજ 20 લોકોએ જીવ ગુમાવ્યા
- રહેણાંક વિસ્તારોમાં થયેલા 3,553 અકસ્માતમાં 1,370નાં મોત થયા
- કુલ અકસ્માતો પૈકી 18 ટકા જેટલા અકસ્માતો વિવિધ જંક્શન પર થયા
ગુજરાતમાં વર્ષ 2022માં કુલ 15,751 અકસ્માતના કેસમાં 7,618 લોકોનાં મોત થયા છે, જે પૈકી સૌથી વધુ ઓપન એરિયામાં 8626 અકસ્માતમાં 4804 લોકો કચડાઈને મર્યા છે જ્યારે રહેણાંક વિસ્તારમાં થયેલા 3,553 અકસ્માતમાં 1370નાં મોત થયા છે, માર્કેટ કે કોમર્શિયલ વિસ્તારમાં એક વર્ષમાં 2197 અકસ્માતની ઘટના બની છે, જેમાં 877 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઈન્સ્ટિટયુશનલ એરિયામાં 1204 અકસ્માતમાં 526 તેમજ 171 અકસ્માતમાં 41 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર 2022ના વર્ષ દરમિયાન સૌથી વધુ 1531 અકસ્માત કાળઝાળ ગરમીના મે મહિનામાં નોંધાયા છે, જેમાં 787 લોકો કચડાઈને મર્યા છે. એકંદરે ગુજરાતમાં રોજ સરેરાશ 20થી 21 જેટલા લોકો અકસ્માતના કારણે મોતને ભેટયા છે. અગાઉ વર્ષ 2021ના અરસામાં ગુજરાતમાં કુલ 15,186 અકસ્માતની ઘટના બની હતી, જેમાં કુલ 7,452 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રોડ સેફ્ટી ઓથોરિટીના લેટેસ્ટ ડેટા પ્રમાણે ઓવર સ્પીડના કારણે સૌથી વધુ 14,701 અકસ્માતની ઘટના બની છે, જેમાં 7236 લોકોને જીવ ગુમાવવા પડયા છે. આ પ્રકારના અકસ્માતના બનાવોમાં 8242 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે 5766 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. 2109 લોકો એવા હતા જેમને હોસ્પિટલે સારવાર લેવાની કોઈ જરૂર પડી નહોતી.
દારૂબંધી છતાં નશાની હાલતમાં અકસ્માતની 51 ઘટના, 7નાં મોત
ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ દારૂ કે ડ્રગ્સનું સેવન કરીને ડ્રાઈવિંગ કરતી વેળા અકસ્માતની કુલ 51 ઘટનાઓ બની હતી, જેમાં સાત લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, આવા કિસ્સામાં 10 વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી જ્યારે અન્ય 16ને સામાન્ય ઈજા થઈ હતી. સામાન્ય ઈજા વાળા 9 વ્યક્તિ એવા હતા જેમને હોસ્પિટલે સારવારની જરૂર જણાઈ નહોતી. એક રીતે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે.
કુલ અકસ્માતો પૈકી 18 ટકા જેટલા અકસ્માતો વિવિધ જંક્શન પર થયા
વર્ષ 2022ના કુલ અકસ્માતો પૈકી 56 ટકા અકસ્માતમાં વાહનને પાછળથી ટક્કર વાગવી, હિટ એન્ડ રન તથા સાઈડથી ટક્કર વાગવાનું પ્રમાણ અત્યંત વધારે જોવા મળ્યું છે. કુલ અકસ્માતો પૈકી 18 ટકા જેટલા અકસ્માતો વિવિધ જંક્શન પર થયા હતા. મૃતકોની સંખ્યામાં 67 ટકા જેટલા વ્યક્તિઓમાં મોટર બાઈક ચાલક, સાઈકલ સવાર તથા પદયાત્રી હતા.
રોંગ સાઈડ ડ્રાઈવે 231 લોકોનો જીવ લીધો
વર્ષ 2022માં રોંગ સાઈડ ડ્રાઈવના કારણે 231 લોકોનાં મોત થયાં હતાં, રોંગ સાઈડ ડ્રાઈવના કારણે કુલ 612 અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. આવા કિસ્સામાં 331 લોકોને ગંભીર ઈજા જ્યારે 301 લોકોને નાની અમથી ઈજા પહોંચી હતી. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના કારણે અક્સ્માતના જે 26 બનાવ હતા, તેમાં 6 લોકોનાં મોત થયા છે. આવા કિસ્સામાં ગંભીર રીતે 21 અને 17ને સામાન્ય ઈજા પહોંચી હતી.