આજે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા યુવાનો માટે હાર્ટ એટેકની સમસ્યા જીવલેણ બની રહી છે. છેલ્લા એક મહિનાથી ગુજરાતના વિવિધ શહેરોમાં યુવાઓનાં ચિંતાજનક રીતે આકસ્મિક મોત નિપજી રહ્યાં છે. તેમાં પણ ક્રિકેટ કે ફૂટબોલ રમતા જોતજોતામાં યુવાઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે. આ ઘટનાઓ ચિંતામાં વધારો કરી રહી છે તેવામાં અમદાવાદ પાસે ભાડજના શાંતિનિકેતનમાં આવેલા ક્રિકેટ મેદાનમાં એક યુવા જીએસટી ઓફિસરનું મેચ દરમિયાન મોત થયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી.
કેમેરામાં કેદ અંતિમ ક્ષણોમાં શું દેખાય છે
અમદાવાદના ભાડજમાં ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ ચાલી રહી છે. GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ચાલતી મેચમાં મુળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ગામના વતની વસંત રાઠોડ બોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ગભરામણ થતું હોય તેવી રીતે વર્તન કરી રહ્યા છે. જે બાદ અચાનક જ તેઓ બેસે છે અને પછી પાછા ઊભા થાય છે. પરંતુ તબિયતમાં કંઈ સુધારો ન લાગતા ફરી બેસે છે અને ઢળી પડે છે. જે દરમિયાન ક્રિકેટ રમતા અન્ય ઓફિસર્સ તેમની નજીક દોડી જાય છે અને તેમને CPR આપવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તેમને પીઠમાં માલિશ કરવાનો પ્રયાસ કરે છે. આમ જીએસટી ઓફિસર વસંત રાઠોડને ક્રિકેટ રમતા આવેલા હાર્ટ એટેક સમયના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
વસંતે બેટિંગમાં પણ 14 બોલમાં 16 રન ફટકાર્યા
ભાડજના શાંતિનિકેતનના મેદાનમાં જીએસટી ઓફિસર્સ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચ ચાલી રહી હતી. તે દરમિયાન વસંત રાઠોડને હૃદયનો હુમલો આવ્યો હતો. વસંતને હાર્ટ એટેક આવ્યો તે પહેલાં મેચમાં શાનદાર બોલિંગ કરીને તેમણે 2.5 ઓવરમાં એક વિકેટ પણ ખેડવી હતી. એટલું જ નહીં બેટિંગમાં પણ 14 બોલમાં 16 રન ફટકાર્યા હતા. પહેલી બેટિંગમાં જીએસટીની ટીમ દ્વારા 20 ઓવરમાં 104/10 સ્કોર કર્યો હતો.
ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા
પહેલી બેટિંગમાં જીએસટીની ટીમ દ્વારા 20 ઓવરમાં 104/10 સ્કોર કર્યો હતો. જ્યારે બીજી બેટિંગમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમનો સ્કોર 7.1 ઓવરમાં 45/4 હતો. જોકે જીએસટી ઓફિસર વસંત રાઠોડને ચાલુ મેચ દરમિયાન જ હાર્ટ અટેક આવતા તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ દરમિયાન મેચ રોકી દેવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમને વિજેતા જાહેર કરી દેવામાં આવી હતી.
સાથી ઓફિસરને રમતા-રમતા મળેલા મોતથી સૌ શોકમગ્ન
વસંત રાઠોડને હાર્ટ અટેક આવતા સમગ્ર જીએસટી ઓફિસર્સની ટીમ સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. પોતાના સાથી જીએસટી ઓફિસરને આવેલા જીવલેણ હાર્ટ અટેકથી ટીમ સ્તબ્ધ હતી. સાથી ઓફિસરને રમતા-રમતા મળેલા મોતથી સૌ શોકમગ્ન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.