- આધુનિક યુગના (અ)સંસ્કારી પુત્રનું કારસ્તાન
- ગભરાયેલા માતાપિતાની આનંદનગરમાં ફરિયાદ
- માતાપિતાનું માન સન્માન જાળવવાનું જ ભૂલી ગઈ છે
એક સમય હતો જ્યારે પિતા સામે નજરથી નજર મિલાવતા પણ બાળકો ડરતા હતા. તેમની સામે મોટા અવાજે વાત કરવી તો શક્ય જ નહોતું. પરંતુ આજની ટેક્નોસેવી પેઢી માતાપિતાનું માન સન્માન જાળવવાનું જ ભૂલી ગઈ છે. આધુનિક યુગમાં મોબાઇલમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા યુવાનો નાની નાની વાતે ગુસ્સો કરતા થઈ ગયા છે અને મિત્રો તો ઠીક માતાપિતાને જ મારી નાખવાની ધમકીઓ આપતા પણ ખચકાતા નથી. આવો જ એક કિસ્સો તાજેતરમાં આનંદનગરમાં જોવા મળ્યો છે. આનંદનગરમાં પુત્રએ ક્રેડિટ કાર્ડના બિલ બાબતે માતા પિતાને બિભત્સ શબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં, પુત્રએ પિતાને ધમકી આપી કે, ક્રેડિટ કાર્ડનું બિલ નહીં ભરો તો હું તમને જાનથી મારી નાખીશ.
આનંદનગર રહેતા શંશાકભાઇ GMDCમાં આસિ. એડવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તેઓ સોમવારે સાંજે ચાર વાગ્યે નોકરી પરથી ઘરે પરત આવ્યા ત્યારે તેમના પુત્ર હર્ષે મારા ક્રેડિટ કાર્ડના પૈસા કેમ ભરતા નથી ? તેમ કહીને માતા સાથે બોલાચાલી કરી હતી. આ દરમ્યાન શશાંકભાઇએ તેને સમજાવવા જતાં હર્ષ ઉશ્કેરાઇ જઇને પિતાને બિભત્સ શબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. જેથી શશાંકભાઇએ ગાળો બોલવાની ના પાડતા હર્ષે ધમકી આપી કે, મારા ક્રેડિટ કાર્ડના પૈસા નહીં ભરો તો હું તમને જાનથી મારી નાખીશ. આમ ગભરાઈ ગયેલા માતા-પિતાએ આનંદનગરમાં પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.