- દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રથમવાર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી લેવાઈ
- બંને પરીક્ષામાં નોંધાયેલા કુલ 4,307 ઉમેદવારમાંથી 3,730 ઉપસ્થિત રહ્યાં
- સ્કૂલોમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુરૂવારના રોજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષકોની ભરતી કરવા ટેટ-1 અને ટેટ-2 લેવામાં આવી હતી. બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષામાં ટેટ-1માં 85 ટકા અને ટેટ-2માં 89 ટકા ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદની 8 જેટલી સ્કૂલોમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બંને પરીક્ષામાં મળીને કુલ 4,307 નોંધાયા હતા જેમાથી 3,730 ઉમેદવાર પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં.
રાજ્યની પ્રાથમિક શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષકોની ભરતી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકોની જેમ જ ખાસ શિક્ષકો માટે પણ ધોરણ-1થી 5 માટે ટેટ-1 અને ધોરણ-6થી 8 માટે ટેટ-2 લેવાનો નિર્ણય કરાયો હતો. ટેટ-1ની પરીક્ષા માટે કુલ 2273 જેટલા ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી પરીક્ષાના દિવસે 1,927 ઉમેદવારો હાજર રહ્યા હતા, જ્યારે 346 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ટેટ-2ની પરીક્ષા માટે 2034 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી પરીક્ષા વખતે 1,803 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 231 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.