- અંતરિયાળ વિસ્તારોમાં પાઈપલાઈનમાં લીકેજની સમસ્યા
- રાજકોટ, બનાસકાંઠા સહિતના 7 જિલ્લાના 88 ગામમાં ટેન્કર દોડયા
- ખંભાળિયા અને ભાણવડ 8 ગામમાં 38 ટેન્કરના ફેરા મારવામાં આવ્યા છે.
ગુજરાતમાં રાજકોટ, બનાસકાંઠા સહિતના સાત જિલ્લાના ગામોમાં પીવાના પાણીને લઈ તંગીની સ્થિતિ ઊભી થઈ છે, આકરી ગરમી વચ્ચે આ સિઝનમાં પહેલી જૂને એક જ દિવસમાં અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક ટેન્કરના 401 ફેરા મારફત લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, એક જ દિવસમાં કુલ 88 ગામમાં 66 ટેન્કરોની દોડાદોડ થઈ છે. આગામી દિવસોમાં ટેન્કરના ફેરાની સંખ્યા હજુ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.
પાણી પુરવઠા બોર્ડના સૂત્રોના કહેવા પ્રમાણે અંતરિયાળ ગામમાં પાણીની પાઈપ લાઈનમાં લીકેજ, પાણીના સ્તર નીચે જવા સહિતના વિવિધ કારણસર પાણી પહોંચાડી શકાતું નથી એટલે ટેન્કર મારફત પાણી અપાઈ રહ્યું છે. પહેલી જૂને 88 ગામોમાં ટેન્કરના 401 ફેરા મારવામાં આવ્યા છે, જે આ ગરમીની સિઝનમાં અત્યાર સુધીના સૌથી વધુ ફેરા છે. રાજકોટના કોટડા સાંગાણી, પડધરી, રાજકોટ, લોધિકા અને વીંછિયા તાલુકાના 16 ગામોમાં ટેન્કરના 138 ફેરા મારવામાં આવ્યા છે. એ જ રીતે ભાવનગરના ગારિયાધાર, તળાજા, પાલીતાણા અને ભાવનગર તાલુકાના 18 ગામોમાં ટેન્કરના 115 ફેરા મારવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, થરાદ અને વાવના 19 ગામોમાં ટેન્કરના 51 ફેરા મારફત પીવાનું પાણી પૂરું પડાયું છે. સુરેન્દ્રનગરના મૂળી, લીંબડી અને વઢવાણના 5 ગામોમાં 14 ફેરા, કચ્છના ભૂજ અને રાપરના 10 ગામોમાં 17 ફેરા, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, વેરાવળ અને સૂત્રાપાડાના 12 ગામોમાં 28 ફેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડ 8 ગામમાં 38 ટેન્કરના ફેરા મારવામાં આવ્યા છે.