- ફોરેન્સિક એકાઉન્ટિંગ અને અન્ય ટેકનોલોજીની મદદથી તપાસ કરવામાં આવશે
- એસીબીની વિશેષ ટીમને સમગ્ર કેસની તપાસ સોંપાયા બાદ ઊંડાણપૂર્વક તપાસ કરાશે
- ટેકનોલોજીની મદદથી વિશેષ ટીમ તૈયાર કરીને તપાસ કરવામાં આવશે
ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે.લાંગા સામે ફરિયાદ થયા બાદ એસીબીએ ફઇલ તૈયાર કરીને મંજૂરી માટે ગૃહવિભાગમાં મોકલી હતી. ફઇલની જરૂરી વિભાગમાંથી પ્રક્રિયા કરાવીને મુખ્યમંત્રીની મંજૂરી મેળવવા માટે મોકલવામાં આવી હતી. જે મંજૂરી મળતા હવે એસીબી એસ.કે.લાંગા સામે અપ્રમાણસર મિલકતો અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરશે. તેના માટે ફેરેન્સિક એકાઉન્ટિંગ તેમજ અન્ય ટેકનોલોજીની મદદથી વિશેષ ટીમ તૈયાર કરીને તપાસ કરવામાં આવશે.
ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાએ તેેમના કાર્યકાળમાં કરેલા ભ્રષ્ટાચાર મામલે ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. લાંગા વિરૂદ્ધ મોટા પ્રમાણસર મિલકતો વસાવવા ઉપરાંત તેમના સગાના નામે ખાનગી કંપનીઓમાં ભાગીદારી કરવામાં આવી હોવાના પુરાવા એસઆઈટીને મળ્યા હતા. જેના આધારે લાંચ રૂશ્વત બ્યૂરોને જાણ કરવામાં આવી હતી અને લાંગાની અપ્રમાણસર મિલકતોની તપાસ શરૂ કરવા માટેની પરવાનગી લેવા માટેની ફાઈલ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેના આધારે એસીબીએ એક ફાઈલ તૈયાર કરીને અપ્રમાણસર મિલકતની તપાસ કરવાની પરવાનગી લેવા માટે ગૃહવિભાગને મોકલવામાં આવી હતી. જો કે વર્ગ-1 કે તેની ઉપરની રેન્કના અધિકારીઓ વિરૂદ્ધ તપાસ માટે મુખ્યમંત્રી કાર્યાલયની મંજૂરી લેવી પડતી હોય છે. જેની પરવાનગી મળતા ગૃહવિભાગે ફાઈલ હવે એસીબીમાં મોકલી આપી છે. તેના આધારે હવે એસીબીની વિશેષ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. એસીબીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે નિવૃત્ત આઈએએસ અધિકારી લાંગાની અપ્રમાણસર મિલકતોની કેસની તપાસ મદદનીશ નિયામક કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં વિશેષ ટીમ દ્વારા કરવામાં આવશે. જેમાં ફોરેન્સિક એકાઉન્ટિંગ તેમજ અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત એસીબીના પેનલમાં રહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ આ તપાસમાં જોડાશે. સોમવાર આ કેસની તપાસ કરતી ટીમની રચના કરવામાં આવશે. જેમાં લાંગા અને તેમના પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટ, રોકાણ, દાગીના, મિલકતો સહિતની બાબતોની વિગતો મેળવીને એસીબી તપાસ કરશે. સાથે સાથે લાંગા વિરૂદ્ધ ખાતાકીય તપાસ કરતી એસઆઈટીની પણ મદદ લેવામાં આવશે.