- નાદારીના આરે ઊભેલી ગો ફર્સ્ટની મુસાફરીનો કોન્ટ્રાક્ટ રદ્
- 4 જૂને પહેલી ફ્લાઈટ જેદ્દાહ જશે, ગુજરાતમાં વધુ નાણાં ખંખેરાતા રોષ
- ગુજરાતના હજયાત્રીઓ પાસેથી અવર-જવરની ટિકિટના 1.41 લાખ વસૂલાયા
ગુજરાતના હજયાત્રીઓની હવાઈ મુસાફરીનો કોન્ટ્રાક્ટ ગો ફર્સ્ટ એરલાઈન્સને અપાયો હતો, જોકે ગો ફર્સ્ટ નાદારીના આરે ઊભી હોવાથી ગુજરાતી હજયાત્રીઓ રઝળી પડશે તેવી ભીતિ સાથે હોબાળો મચ્યો હતો, અંતે હવે ગો ફર્સ્ટને બદલે સાઉદી એરલાઈન્સની ફ્લાઈટ મારફત મુસાફરીનો નિર્ણય લેવાતાં હાશકારો થયો છે. ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ચોથી જૂને ગુજરાતના હજયાત્રીઓની પહેલી ફ્લાઈટ છે, હવે ગો ફર્સ્ટને બદલે સાઉદી એરલાઈન્સ મારફત હવાઈ મુસાફરીનો નિર્ણય લેવાયો છે. આ વખતે હજ કમિટી મારફત ગુજરાતના 8,764 યાત્રીઓ મક્કા-મદીના જવાના છે, આ સિવાય કેટલાક ખાનગી ટૂર મારફત જશે.
હજ કમિટીના સૂત્રો કહે છે કે, ચોથી જૂનના રોજ પહેલી ફ્લાઈટ સવારે 5.05 કલાકે ઉપડશે, એ જ દિવસે બીજી ફ્લાઈટ સવારે 11.35 કલાકે જેદ્દાહ જવા રવાના થશે, એક ફ્લાઈટમાં 360 અને બીજીમાં 370 યાત્રીઓ રવાના થશે. 23મી જૂને છેલ્લી ફ્લાઈટ રહેશે. કુલ 24 ફ્લાઈટ મારફત યાત્રીઓ રવાના થશે. એકંદરે ગો ફર્સ્ટના બદલે સાઉદી એરલાઈન્સ માટે નિર્ણય લેવાતાં ગુજરાતના યાત્રીઓને હાશકારો થયો છે. અલબત્ત, મુંબઈની સરખામણીએ અમદાવાદથી જનારા યાત્રીઓ પાસેથી 68 હજાર જેટલી વધુ રકમ વસૂલાઈ રહી છે, આ સંદર્ભે હજ કમિટીને લેખિતમાં ફરિયાદ કરાઈ છે, પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી, મુંબઈથી જેદ્દાહ કરતાં અમદાવાદથી જેદ્દાહનું ડિસ્ટન્સ ઓછું છે, તેમ છતાં ગુજરાતના હજયાત્રીઓ પાસેથી અવર-જવરની ટિકિટના 1.41 લાખ વસૂલાયા છે.