- મોંઘા થવાના ભયે ઈવીની ખરીદીમાં 40 ટકાનો ઉછાળો, કારનું વેચાણ વધ્યું
- સ્કૂલ કોલેજો ખૂલી જવાના પગલે ટુ-વ્હીલરમાં 27.02 ટકાનો વૃદ્વિ દર નોંધાયો
- કિંમત વધે તે પહેલાં લોકોએ ઈવી મોટાપ્રમાણમાં ખરીદ્યા
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસીએશન દ્વારા મે માસમાં વાહનોના વેચાણના જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં વેચાયેલા વાહનોની 10.14 ટકા એવરેજ કરતા ગુજરાતમાં 24.50 ટકા વાહનો વધુ વેચાયા છે. સ્કૂલ-કોલેજો ખૂલી છે અને આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા હોય વાહનોના વેચાણ દરમાં વૃદ્વિ યથાવત રહે તેવી શક્યતા છે.
રાજ્યમાં મે-2023માં કુલ 1,26,410 વાહનોનું વેચાણ થયું છે. જે મે-2022ના વેચાણ કરતા 24,872 વધુ છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો ટુ વ્હીલરમાં 27.02 ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે મે માસમાં 18,543 વાહનો વધુ વેચાયા છે. થ્રી વ્હીલરમાં 150.65 ટકાના ઉછાળા સાથે 3,355 વાહનો, કોમર્શિયલમાં 19.72 ટકાના ઉછાળા સાથે 919 વાહનો વધુ વેચાયા છે. કારમાં 11.25 ટકાની વૃદ્ધિ સાથે 2,622 કાર વધુ વેચાઈ છે. મે માસમાં 25,927 કારનું વેચાણ નોંધાયું છે. ટ્રેક્ટરમાં માઈનસ 20.81 ટકાના ગ્રોથ સાથે 567 ટ્રેક્ટરનું ઓછું વેચાણ થયું છે.
ફાડાના પૂર્વ ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું કે સ્કૂલ-કોલેજો ખૂલી જવાના કારણે ટુ વ્હીલરના વેચાણમાં સુધારો જોવા મળ્યો છે. હજુ પણ ખરીદી ચાલુ જ છે. તેથી જૂન માસમાં સારું વેચાણ થવાની આશા છે. કારના વેચાણમાં એકસમાન વિકાસ જારી છે. ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ 5 ટકા હતું તે 60 ટકાએ પહોંચ્યું છે. એટલે કે 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. આટલા ઉછાળા પાછળનું કારણ એ છે કે કેન્દ્ર સરકારે ફેમ-2 સબસિડી ઘટાડી નાખી છે. તેના કારણે ઈવીની કિંમતમાં અંદાજે રૂ.10,000 જેટલો વધારો થઈ શકે છે. કિંમત વધે તે પહેલાં લોકોએ ઈવી મોટાપ્રમાણમાં ખરીદ્યા છે.