- નજીવા વેતનમાં શોષણ કર્યાં બાદ 120થી વધુ કર્મીઓની રોજગારી છીનવી
- રજિસ્ટ્રારે મોં સંતાડયું, વાઈસ ચાન્સેલરે કહ્યું એજન્સીએ નોટિસ આપી
- વિદ્યાપીઠના સત્તાધીશોના આ નિર્ણયના કારણે શિક્ષણ આલમમાં પણ ભારે રોષ ફેલાયો
ગેરકાયદેસરની ઝૂંપડપટ્ટીને પણ વૈકલ્પિક વ્યવસ્થા વિના ખસેડવામાં આવતી નથી, ત્યારે ગૂજરાત વિદ્યાપીઠે તેના 20થી 25 વર્ષ જૂના અને નજીવા વેતનમાં ફરજ બજાવતાં 120થી વધુ કર્મચારીઓની રોજગારી અને આવાસ બંન્ને છીનવી લીધા છે. મકાન ખાલી કરવાની સાથે 30મી જૂનના રોજ નોકરીમાંથી પણ દુર કરી દેવાની નોટિસ મળતાં કર્મચારીઓના હોશ ઉડી ગયાં છે. ગુરુવારે બપોરે 20થી વધુ કર્મચારીઓ કુલનાયક અને રજિસ્ટ્રારને રજૂઆત કરવા પહોચ્યાં હતા પરંતુ તેમને વાત કરવાની પણ તસ્દી લીધી નહોતી અને એવો ગેરવાજબી જવાબ આપ્યો હતો કે, તમને એજન્સી દ્વારા છુટા કરવામાં આવ્યાં છે. જે સંસ્થામાં અડધુ આયખુ કાઢી નાખ્યંુ છે તે સંસ્થાના સત્તાધીશો આ કર્મીઓને એમ કહે છે કે, તમે અમારા નહીં પણ એજન્સીના કર્મચારી છો. આખીયે ઘટનામાં રજિસ્ટ્રાર દ્વારા મગનું નામ મરી પાડવામાં આવતું નથી.
ગૂજરાત વિદ્યાપીઠમાં કર્મચારીઓનું શોષણ અને અચાનક રોજગારી છીનવી રસ્તા પર લાવી દેવાનો સિલસિલો શરૂ થયો છે. વિદ્યાપીઠમાં 20 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા અને નવા લાગેલા બંને કર્મચારીઓને એક સરખુ વેતન આપી વર્ષોથી શોષણ થયુ હોવાના આક્ષેપ થયાં છે. નવા આવેલા સત્તાધીશોએ તો અચાનક જ મકાન છીનવી લેવાની સાથે સાથે તેમની રોજગારી પણ છીનવી લીધી છે. બીજી તરફ નવી ભરતી માટે જાહેરાત પણ આપી દેવામાં આવી છે. વિદ્યાપીઠના સત્તાધીશોના આ નિર્ણયના કારણે શિક્ષણ આલમમાં પણ ભારે રોષ ફેલાયો છે. કર્મચારીઓના જણાવ્યાં મુજબ અત્યાર સુધી દૈનિક 365 રૂપિયા લેખે વેતન અપાતુ હતુ જે ગત મહિને વધારીને 452 રૂપિયા કરાયું હતુ. જેમાં પણ 25 દિવસ ગણવામાં આવે છે.