- અગાઉ યુજી – પીજીની ફીમાં 200 ગણો વધારો ઝીંકાયેલો
- યુ.જી.માં કુલ રૂ.3600 ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતુ
- પી.જી.માં 200 ગણો વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતુ
ગુજરાત વિદ્યાપીઠમાં ચાલતાં જુદા જુદા કોર્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફીમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો હતો. વિદ્યાપીઠ સત્તાધીશો દ્વારા માત્ર 10થી 15 ટકા ફી વધારો કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જાહેર કરાયેલા ફીના નવા દરોમાં યુ.જી. અને પી.જી.માં 200 ગણો વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતુ. આ મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આદિવાસી અને ગ્રામીણ વિસ્તારમા રહેતા વિદ્યાર્થીઓને ફી વધારાના કારણે ભારે અસર પહોંચે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. જુદા જુદા સ્તરે કરાયેલી રજૂઆતોના પગલે આજે મળેલી બોર્ડ ઓફ્ મેનેજમેન્ટનીન બેઠકમાં આ મુદ્દે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આ મામલે જાહેર કરાયેલા ફીના નવા દરોમાં 50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે ફીના નવા દરો પણ જાહેર કરી દેવામાં આવ્યા હતા. જેમાં યુ.જી. એટલે કે અંડર ગ્રેજ્યુએશન પ્રકારના કોર્સમાં એજ્યુકેશન ફી 1500, ઇન્ટરનલ એકઝામ ફી રૂ.650, સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ વેલ્ફેર ફી પેટે રૂ.200, અન્ય ફી રૂ.250 અને કરીક્યુલમ એક્ટીવીટી પેટે રૂ.500 મળીને કુલ રૂ.2600 ફી પેટે લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્ટેન્સ પેટે રૂ. 1 હજાર મળી યુ.જી.માં કુલ રૂ.3600 ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.