- કમિટી બનાવી તપાસ રિપોર્ટ રજૂ કરવાનો કોર્ટનો નિર્દેશ
- સેંકડો વાહનચાલકો રોજ ઉપયોગ કરે છે, મોરબી જેવી દુર્ઘટના ન બને : અરજદાર
- આ કેસની વધુ સુનાવણી 28 જૂને હાથ ધરાશે
ગોંડલમાં સ્થિત સો વર્ષથી વધુ જુના હેરિટેજ બ્રિજની જર્જરિત હાલતના સમારકામની માગને લઈને થયેલી અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર, ગોંડલ નગરપાલિકા સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે આ બ્રિજની સ્થિતિના મુદ્દે નિષ્ણાતોની કમિટી બનાવો અને તપાસ કરીને રિપોર્ટ રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી 28 જૂને હાથ ધરાશે.
સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે ગોંડલમાં સો વર્ષથી વધુ જુના બે હેરિટેજ બ્રિજ આવેલા છે. આ બ્રિજને મહારાજા ભગવતસિંહજીના શાસનકાળમાં થયેલુ છે. આ બંને બ્રિજ ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ તથા હોસ્પિટલ ચોકથી મોંઘીબા શાળા પાસે સ્થિત છે. મોટા ભાગે આટકોટ, ઘોઘાવદર, મોવીયા અને જસદણ સહિતના વિસ્તારના લોકો આ બ્રિજનો મોટા પાયે ઉપયોગ કરે છે. હાલ બ્રિજની હાલત જર્જરિત થયેલી છે, જેથી ત્વરિતપણે તેનુ સમારકામ થવુ જરૂરી છે, નહીંતર મોરબીના ઝુલતા પુલ જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ બ્રિજના સમારકામના મુદ્દે અનેક વાર સંબંધિત સત્તાધીશોને રજૂઆત કરાયેલી છે. જો કે તે મુદ્દે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ નથી. તંત્રની આ બેદરકારી નિર્દોષ લોકોના જીવ માટે જોખમી બની શકે છે. જેથી, આ બ્રિજના સમારકામ અંગે તંત્રને આદેશ આપો. અરજદારની એ પણ રજૂઆત હતી કે આ બંને બ્રિજની જર્જરિત હાલત મુદ્દે ગોંડલ નગરપાલિકા સારી રીતે પરિચિત છે. નગરપાલિકાએ 19-03-20ના પત્રમાં માનેલુ છે કે આ બ્રિજની હાલત જર્જરિત છે. જો કે, તેના સમારકામ અંગે કોઈ કાર્યવાહી કરાઈ જ નથી. આ બ્રિજના બાંધકામસ્થિરતાનો રિપોર્ટ મગાવે, તો સ્થિતિ વધારે સ્પષ્ટ થશે.