- એરલાઈન્સ કોઈપણ પ્રકારનો કેન્સલેશન ચાર્જ વસુલી શકે નહીં : પંચ
- ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે હુકમ કર્યો છે
- ઈન્ડિગો એરલાઈન્સ અને યાત્રા ઓનલાઈન પ્રા.લિ.ને હુકમ, ફરિયાદીને પૂરતુ રિફ્ંડ ચુકવો
ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે હુકમ કર્યો છે કે, ગ્રાહક દ્વારા ફ્લાઈટની ટિકિટ છેલ્લા 24 કલાકમાં રદ કરાવાય તો એરલાઈન્સ કંપની તેના પર કોઈપણ પ્રકારનો કેન્સલેશન ચાર્જ વસુલી શકે નહીં. એરલાઈન્સ કંપનીની જવાબદારી છે કે ગ્રાહકને તેની ટિકિટનુ પૂર્ણ રિફ્ંડ આપવુ પડે. ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે હુકમ કર્યો છે કે, ઈન્ડિગો એરલાઈન્સ અને યાત્રા ઓનલાઈન પ્રા, લિ. દ્વારા ફરિયાદી ને તેની ટિકિટના રૂ. 14, 746 પૂર્ણ રિફ્ંડ પેટે ચુકવવામાં આવે અને અપીલના ખર્ચ પેટેના વધારાના રૂ. ૫,000 ચુકવો. પંચનુ અવલોકન છે કે સિવિલ એવિએશનના પરિપત્રની જોગવાઈઓ ધ્યાને લઈએ તો કોઈ મુસાફર છેલ્લા 24 કલાકમાં ટિકિટ રદ કરે તો ટિકિટ રદ કરાવવા માટે મુસાફર પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલી શકાય નહીં. એજન્ટ એ એરલાઈન્સ દ્વારા નિમવામાં આવેલા છે અને એરલાઈન્સની જવાબદારી બને છે તે મુસાફરને 30 દિવસમાં રિફ્ંડ ચુકવે. ફરિયાદીના ઈમેઈલ પરથી સ્પષ્ટ થાય છે કે તેણે 04-032019ના રોજ ટિકિટ રદ કરાવેલી છે. જો કે, એરલાઈન્સે 09-03-2019 પછી તેની કેન્સલેશનની પ્રક્રિયા કરેલી છે. એરલાઈન્સને નોટિસ છતા કોઈ હાજર થયુ નથી. સુનાવણી સમયે અરજદારની રજૂઆત હતી કે તેણે 04-03-2019ના રોજ 02-04-2019 માટે અમદાવાદથી હૈદરાબાદ માટે અને હૈદરાબાદથી કોલકત્તા, ત્યાર બાદ કોલકત્તાથી હૈદરાબાદ અને હૈદરાબાદથી અમદાવાદ માટે યાત્રા.કોમ પરથી ઓનલાઈન ટિકિટ કરાવેલી. જેમાં, એક ટિકિટ દીઠ રૂ. 7,200 લેખે કુલ રૂ. 21,600ની ટિકિટ બુક કરાવેલી. આ પછી, ફરિયાદીના બેંક ખાતામાંથી રૂ. 23,966 કાપવામાં આવેલા. આ સમયે, યાત્રા ઓનલાઈન દ્વારા એવુ કારણ આપવામાં આવેલુ કે જો તમે ટિકિટ રદ કરાવશો તો દસ ટકા કપાશે અને બાકીની રકમ રિફ્ંડ પેટે પરત મળશે. આપછી, ફરિયાદીએ કોઈ કારણોસર ત્રણમાંથી બે ટિકિટ રદ કરાવેલી. જેથી, તેને દસ ટકાના કપાત બાદ મળવા પાત્ર બાકીના રૂ. 14,377 તેને રિફ્ંડ આપવા પડે, તે રકમ એરલાઈન કંપનીએ આપ્યા નથી. આ ફરિયાદીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફેરમમાં અરજી કરતા તેની તરફેણમાં હુકમ થયેલો અને તેને સાત ટકાના વ્યાજ સાથે રૂ. 4,044 ચુકવવા કહેલુ. જેની સામે ફરિયાદીએ ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ અપીલ કરેલી.