- 73 ડેમમાં 10,500 મિલિયન ઘનફૂટ પાણી આરક્ષિત
- જળસંચય અભિયાન : 12.70 લાખ માનવદિન રોજગારી મળી
- સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણમાં મળેલી કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું છઠ્ઠુ ચરણ 31મી મે એ પૂરું થયું છે. ગાંધીનગરથી શરૂ થયેલા આ અભિયાનમાં 24,153 કામોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 104 દિવસના અંતે ૨3,860 કાર્યો પૂરાં થયા છે. બીજી તરફ નર્મદા યોજના સિવાયના ૨06 જળાશયોમાં ૨6મી મે સુધીમાં આશરે ૨ લાખ મિલિયન ઘનફૂટ ઉપરાંત પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે, જે પૈકી પીવાના પાણીનો વપરાશ ધરાવતા 73 જળાશયોમાં 31મી મે સુધીમાં 10,500 મિલિયન ઘનફૂટ પાણીનો જથ્થો આરક્ષિત રાખ્યા બાદ જળાશયનું વધારાનું પાણી ખેડૂતોની માગણી આધારિત પ્રિ-ખરીફ સિંચાઈ માટે અપાશે.
સુજલામ સુફલામ અભિયાનમાં 12.70 લાખ જેટલા માનવ દિનની રોજગારી મળી છે. સરકાર અને સેવાકીય સંસ્થાઓની ભાગીદારીથી ચેકડેમ રિપેરિંગ 80-20ની યોજના હેઠળ કુલ 161 ચેકડેમના કામો પ્રગતિ હેઠળ છે, જે ટૂંક સમયમાં પૂરા થશે. 31મી મે 2023 પછી નવા કોઈ પણ ચેકડેમ રિપેરિંગના કામો શરૂ કરવામાં નહિ આવે. મંત્રીએ કહ્યું કે, અગાઉના પાંચ તબક્કામાં રાજ્યમાં જળસંગ્રહ માટેના 74,510 કામો પૂરા થયા છે, જેનાથી જળ સંગ્રહ ક્ષમતામાં 86,199 લાખ ઘનફૂટ વધારો થયો હતો, રાજ્યના 33 જિલ્લામાં 26,981 તળાવો ઊંડા કરાયા હતા.