- પૂર્વ IPSએ થાપાની સર્જરી બાદ ડાબો પગ ટૂંકો થઈ ગયો હોવાનો દાવો કરેલો
- સર્જરીમાં કે તબીબોની સલાહમાં કોઈ ચૂક નહોતી : NCDRC
- શસ્ત્રક્રિયા દરમિયાન અયોગ્ય પ્રક્રિયા અપનાવી હતી
આઇપીએસ અધિકારી સતીષ વર્માની થાપાની સર્જરી બાદ ડાબો પગ ટૂંકો થઇ જવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે શસ્ત્રક્રિયા કરનારા તબીબો સામે તબીબી બેદરકારી બદલ ફોજદારી કાર્યવાહી કરવા મંજૂરી આપ્યાના નવ મહિના પછી નેશનલ કન્ઝયુમર ડિસપ્યુટ રીડ્રેસલ કમિશન (એનસીડીઆરસી)એ જણાવ્યું છે કે શસ્ત્રક્રિયામાં કોઇ નબળાઇ નહોતી કે તબીબોની સલાહમાં પણ કોઇ ભૂલ નહોતી.
વિવાદાસ્પદ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ કરી ચૂકેલા 1986ની બેચના આઇપીએસ અધિકારી સતીશ વર્માને થાપામાં ફ્રેક્ચર થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જુલાઇ 2012માં બે ઓર્થોપેડિક તબીબ ડો.જ્યોતિન્દ્ર પંડિત અને ડો. રિકિન શાહે તેમના થાપાની શસ્ત્રક્રિયા કરી હતી. શસ્ત્રક્રિયા પછી વર્માએ ચાલવાની સમતુલા ગુમાવી દીધી હતી. તેમનો ડાબો પગ ચાલવામાં ટૂંકો પડતો હતો . તેને કારણે સમતુલા ના જાળવી શકતાં ચાલવામાં મુશ્કેલી અનુભવવા લાગ્યા હતા.સર્જરીનું ઇચ્છિત પરિણામ ના મળતાં તેમણે બીજો વિકલ્પ શોધવા પ્રયાસ કર્યો હતો. તેમના ધ્યાને આવ્યું હતું કે શસ્ત્રક્રિયા યોગ્ય નથી થઇ અને તેમને બીજી શસ્ત્રક્રિયા કરાવવી પડશે.
તેને પગલે વર્માએ બંને તબીબો સામે તબીબી બેદરકારી દાખવ્યાના આરોપસહ ફોજદારી ફરિયાદ કરી હતી. તે બાદ બંને તબીબો ફોજદારી ખટલાનો સામનો કરી રહ્યા છે અને હાલમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. સતીષ વર્માએ તે સાથે જ તબીબી બેદરકારીના આરોપ કરતાં તે બંને તબીબ તેમ જ ડો.અક્ષય પટેલ, ડો.સંજય પટેલ, સ્તર્લીંગ એડલાઇફ ઇન્ડિયા લિમિટેડ તેમ જ બે વીમા કંપની પાસેથી રૂપિયા પાંચ કરોડના વળતરની માગણી કરી હતી.
પંચે એઇમ્સના અહેવાલનો સ્વીકાર કરીને જણાવ્યું છે કે, ‘ફરિયાદી તે પુરવાર કરવામાં નિષ્ફળ ગયા છે કે તેમને સારવાર આપી રહેલા તબીબોએ દાખવેલી બેદરકારીને કારણે તેમને નુકસાન પહોંચ્યું છે. આઇઆઇટીવી તસવીરો તે પુરવાર કરવામાં નિષ્ફળ જાય છે કે શસ્ત્રક્રિયા દરમિયાન અયોગ્ય પ્રક્રિયા અપનાવી હતી.’