- શાહી મસ્જિદવાળી મિલકત પર હાલ કોઈ કાર્યવાહી નહીં : HC
- ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું સ્થાન તોડયાની અરજી
- અરજદારે કરેલી અન્ય માગ પરની સુનાવણી હાઈકોર્ટે જૂન માસમાં રાખી છે
દાહોદમાં સ્માર્ટ સીટી પ્રોજેકટ હેઠળ સ્થાનિક સત્તાધીશો દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેની સામે કરાયેલી અરજીમાં મંગળવારે ગુજરાત હાઈકોર્ટે શાહી મસ્જિદવાળી સિટી સર્વેનંબરની મિલકત પર સ્ટેટસ ક્વો ( યથાવત સ્થિતિ જાળવા)નો આદેશ કર્યો છે. અરજદારે કરેલી અન્ય માગ પરની સુનાવણી હાઈકોર્ટે જૂન માસમાં રાખી છે. અરજદારની માગ હતી કે ઐતિહાસિક મહત્વ ધરાવતી જે મસ્જિદને તોડી પાડવામાં આવેલી છે, તેનુ ફરિથી નિર્માણ કરી આપવામાં આવે. સ્થાનિક તંત્ર દ્વારા જે રીતે ડિમોલિશનની કામગીરી કરાઈ રહી છે, તેના પર રોક લગાવો.
સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે દાહોદને સ્માર્ટ સિટીમાં ફેરવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયેલો છે. જે અંતર્ગત સ્થાનિક તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરેલી છે. જેમાં, દબાણોની સાથે સાથે દરગાહ અને મસ્જિદને પણ હટાવાઈ રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન દાહોદમાં સ્થિત અંદાજે 100 વર્ષ જૂની નગીના મસ્જિદને પણ તોડવામાં આવી છે. સ્થાનિક તંત્રએ લોકોને રજૂઆતનો પણ મોકો આપ્યો નથી અને લોકોને સાંભળ્યા વગર અથવા તો તેમના સુચનો ધ્યાને લીધા વગર આ તમામ કાર્યવાહી હાથ ધરાઈ છે. મહત્વનુ છે કે, દેશમાં નેશનલ સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત 100 શહેરોને સ્માર્ટસિટી બનાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયેલો છે. જે જૂન 2023 સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા છે.